પંચમહાલના હાલોલ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. એક અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાની મહેર થઈ છે. ગોપીપુરા શિવરાજપુર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. પંચમહાલના ગોધરામાં પણ વરસાદનો પ્રારંભ થયો છે. શહેરના પોપટપુરા, વાવડી, વેગનપુર, ટુવા, છબનપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. એક સપ્તાહના વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.
મહારાષ્ટ્રમાં પડેલા વરસાદને કારણે ડેડીયાપાડાના કણજી ગામના કોઝવેમાં પાણીની ભારે આવક થતા કોઝવે ડૂબ્યો છે. દેવ નદી પરનો કોઝવે ડૂબતા કણજી,વાંદરી અને ડુડાખલ ગામ સંપર્ક વિહોણા થયા છે. આ ગામોમાં જવા માટે લોકોએ કલાકો સુધી રાહ જોવી પડે છે અને જીવના જોખમે કોઝવે પસાર કરવા ગ્રામજનો મજબૂર બન્યા છે.
રાજ્યમાં આગામી 3 દિવસ મધ્યમ વરસાદ પડશે. 3 દિવસ બાદ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. 1 ઓગસ્ટના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે. લો પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થશે.