નર્મદા: નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. માવઠાના કારણે ખેડૂતોમાં ચિંતા છે. માવઠાથી રવિ પાકમાં નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે. કમોસમી વરસાદથી નવસારી જિલ્લાના ખેડૂતોની પણ ચિંતા વધી છે. માવઠાના કારણે કેરી, ડાંગર અને શેરડીના પાકને નુકસાન થવાની ભીતિ છે. કેરીના મોર ખરી પડ્યા તો ડાંગરના ધરું પલળી જતાં સરકારને સહાય આપવાની ખેડૂતોની માંગ છે.


રાજ્યના ખેડૂતો પરથી હજુ પણ માવઠાનું સંકટ ટળ્યું નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે અને જો વરસાદ પડે તો ખેડૂતોના પાકને મોટું નુકસાન પહોંચાડી શકે છે.

હવામાન વિભાગ અનુસાર આજે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. 10 તારીખે વલસાડ, નવસારી, નર્મદા, તાપી, દાહોદ, નવસારીમાં માવઠું પડશે. આગામી પાંચ દિવસ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 11 તારીખ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે.