અમદાવાદ: હવામાન વિભાગની આગાહી પ્રમાણે, કમોસમી વરસાદ પડ્યાં બાદ ફરી એકવાર ધુળેટીના દિવસે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આ દિવસ વરસાદ પડવાની શક્યતા છે. ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 8 અને 9 માર્ચે વાતાવરણ સામાન્ય રહેશે. જેના કારણે ગરમીનું પ્રમાણ 3 ડિગ્રી સુધી વધી શકે છે. ત્યાર બાદ રાજસ્થાનમાં ફરી એકવાર એટલે કે 10મી માર્ચે સાયક્લોનીક સરક્યુલેશન સિસ્ટમ સર્જાતાં ઉત્તર ગુજરાતનું વાતાવરણ પલટો આવી શકે છે. વાતાવરણમાં આવનાર આ પલટાના કારણે ઉત્તર ગુજરાત વાદળછાયું વાતાવરણ બનવાની સાથે છુટાછવાયા માવઠાની શક્યતા પણ છે. એમાં પણ બનાસકાંઠા જિલ્લામાં માવઠાની શક્યતા વધુ પ્રબળ બની રહી છે.

કમોસમી વરસાદ પડ્યા બાદ ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવશે. હાલ સર્જાયેલા લો-પ્રેશરને કારણે ફરી એકવાર કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. હવામાન ખાતાની આગાહી અનુસાર, 10 અને 11 તારીખે બનાસકાંઠા તેમજ દ્વારકામાં કમોસમી વરસાદ પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે, આ અઠવાડીયે જ સતત બે દિવસ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. વાતાવરણમાં અચાનક આવેલા પલ્ટાને કારણે ઘઉંના ઉભા પાકમાં નુકશાન થયું છે.