ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13 જિલ્લામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે ચાર ઈંચ વરસાદ દાહોદના દેવગઢ બારીયામાં નોંધાયો છે. 13 જિલ્લાના 39 તાલુકામાં વરસાદ વરસ્યો છે. પંચમહાલના જાંબુઘોડામાં પોણા ત્રણ ઇંચ, છોટાઉદેપુરના જેતપુર-પાવીમાં પોણા બે ઇંચ, દાહોદના ધાનપુરમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 48 કલાકમાં ચોમાસુ દસ્તર દેશે અને આગામી 5 દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં હળવાથી ધોધમાર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર રીતે મેઘરાજાની એન્ટ્રી થશે. ગુજરાતમાં અમુક વિસ્તારમાં ભારે વરસાદનો અનુમાન છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવતીકાલે ગુજરાતના પૂર્વ ભાગોમાં ભારે વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. નર્મદા, આણંદ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, વડોદરામાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે.
રાજ્યમાં 13 જિલ્લાના 59 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ પંચમહાલના જાંબુધોડામાં 4 ઈચ જેટલો વરસાદ વરસ્યો છે. પંચમહાલના ગોધરામાં 3.5 ઈચ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં શરુ થયો વરસાદ
હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યમાં અનેક જગ્યાએ વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ કેટલાક વિલ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. સૌ પ્રથમ વાત કરીએ સૌરાષ્ટ્રની તો અહીં રાજકોટના જેતપુરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેતપુરમાં સવારથી જ અસહ્ય ઉકળાટ જોવા મળ્યો હતો. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ વરસાદનું આગમન થયું છે. જેતપુર પંથકમા ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ શરૂ થતા લોકોને ગરમીમાં રાહત મળી છે. ધીમી ધારે જેતપુર પંથકમાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદનુ આગમન થયું છે. સવારથી અસહ્ય ઉકળાટ બાદ સાવરકુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સાવરકુંડલા શહેર અને ગ્રામ્યમા વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. હાથસણી, નાના ભમોદ્રા, અમૃતવેલ, ભુવા, ધાર, મોલડી, મોટા ઝિંઝુડા, ઠવી, વીરડી, નાળ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય ઉકળાટ બાદ ચલાલા શહેરમાં પણ વરસાદનું આગમન થયું છે.
ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો
જેસર તાલુકા પથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે. બપોર બાદ વરસાદી વાતાવરણ બધાતા મેઘરાજાએ એન્ટ્રી કરી છે. રાજપરા, રાણપડા, રાણીગામ, ચીરોડ સહિતનાં ગામડાઓમાં વરસાદનું આગમન થયું છે. વાવણી લાયક વરસાદ વરસવાનું શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.