રાજકોટ: સૌરાષ્ટ્રમાં માર્ચ એન્ડિંગના કારણે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ (Marketing Yard) 9 દિવસ સુધી બંધ રહેશે. માર્કેટિંગ યાર્ડમાં આગામી 24 માર્ચથી વેકેશન ચાલુ થવાનું છે. જે બાદ 2 એપ્રિલથી માર્કેટિંગ યાર્ડ ફરી શરૂ થશે.  રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રવિવારે ચણા, કપાસ, લસણ, જીરૂ ઘઉં, રાઈ અને રાયડાની મોટા પ્રમાણમાં આવક થઈ હતી, તો ડુંગળીની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની વધારે આવક થઈ રહી છે. સતત આવકના પગલે માર્કેટિંગ યાર્ડ પણ ઊભરાયા છે. જો કે આ વચ્ચે હવે નવ દિવસ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાં આવશે.


સૌરાષ્ટ્રના આ મોટા માર્કેટિંગ યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં જણસીની આવક થઇ રહી છે. ત્યારે નવ દિવસ સુધી કામકાજ બંધ રહેવાના કારણ ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. હવે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોને પોતાનું ઉત્પાદન આગામી 24 માર્ચ પહેલા અથવા તો 2 એપ્રિલ પછી યાર્ડમાં લઈ જવું પડશે અને તો જ તેઓ વેચી શકશે. દર વર્ષે સૌરાષ્ટ્રમાં માર્કેટિંગ યાર્ડ 24 માર્ચથી 1 એપ્રિલની આસપાસ સુધી બંધ રાખવામાં આવે છે.  


કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગે કરી આગાહી


હવામાન વિભાગની આગાહી અનુસાર  સૌરાષ્ટ્ર-કચ્છમાં અંગ દઝાડતી ગરમી પડશે.  હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ હિટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે બેથી ત્રણ ડિગ્રી મહત્તમ તાપમાનમાં વધારો થશે. એટલું જ નહીં આગામી 4 દિવસમાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચશે. જ્યારે અમદાવાદમાં આવતીકાલથી બે દિવસ હીટવેવની આગાહી આપવામાં આવી છે. અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ગરમીથી બચવા હવામાન વિભાગે કેટલાક સૂચનો કર્યા છે.  જેમાં સામેલ છે સૂતરાઉ અને ખુલતાં કપડા પહેરવા,  તરસ ન લાગી હોય તો પણ પુરતું પાણી પીતા રહેવું.  માથાને કપડાથી ઢાંકવું. 


આગામી 4 દિવસમાં  કાળઝાળ ગરમીનો અનુભવ થશે. એન્ટિ સાયક્લોનિક સર્ક્યૂલેશનની અસર હેઠળ ફૂંકાતા ગરમ અને સૂકા પવનોથી ગરમીનું જોર વધશે. અમદાવાદ સહિતના 17 શહેરમાં પારો 38 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જ્યારે આગામી બે દિવસમાં અમદાવાદ, ડીસા, ભુજ, રાજકોટ, સુરતમાં 40 ડિગ્રી ગરમી પડવાની શક્યતા છે.