આણંદઃ અમૂલ ડેરીની ચેરમેન અને વાઈસ ચેરમેની ચૂંટણી 26મી જુલાઈએ યોજાઈ હતી. જેમાં રામસિંહ પરમાર ચેરમેન પદે જ્યારે રાજેન્દ્રસિંહ પરમાર વાઈસ ચેરમેન પદે ફરીથી ચૂંટાઈ આવ્યા હતા. 16 ઓગસ્ટના રોજ તેમનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે જેને લઈને નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની માટે ચૂંટણી યોજાઈ હતી.

અમૂલ ડેરીની સાથે આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાની 1815 દૂધમંડળીઓ સંકળાયેલી છે. જેમાં 1215 દૂધ મંડળીઓ સક્રિય છે. અંદાજે 7,53,194 પશુપાલકોની માતૃસંસ્થા અમૂલ ડેરી કહેવાય છે. હાલ 6 લાખ જેટલા દૂધ ઉત્પાદકો સક્રિય છે. છેલ્લા 13 વર્ષથી વાઈસ ચેરમેનપદનો હવાલો રાજેન્દ્રસિંહ પરમાર સંભાળે છે.

છેલ્લા 25 વર્ષથી રામસિંહ પરમાર અમૂલ ડેરીમાં ડિરેક્ટર, ચેરમેન સહિત વિવિધ હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. 2 દાયકાથી વધુ સમય તેઓ અમૂલ ડેરીના ચેરમેન રહ્યાં છે. નોંધનીય છે કે, રામસિંહ પરમારે 2017ની વિદ્યાનસભાની ચૂંટણી પહેલા ઠાસરાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને પંજો પડતો મૂક્યો હતો. કોંગ્રેસને રામ રામ કરીને ભાજપનું કમળ પકડી લીધું હતું. આથી તેના શિરપાવરૂપે જીસીએમએમએફનું ચેરમેનપદ મળ્યું હતું.