Gujarat Assembly Election 2022: સોમવારે એટલે કે પાંચ તારીખે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. જેને લઈને ચૂંટણીપંચના અધિકારીઓ તૈયારીમાં લાગી ગયા છે. તમામ સામગ્રીઓ બુથ સુધી પહોંચાડવામાં આવી રહી છે. આ કડીમાં હવે મહીસાગર વિધાનસભાની ચૂંટણીને લઈને સંતરામપુર વિધાનસભામાં રાઠડા બેટ ગામે કર્મચારીઓ જળ માર્ગે ચૂંટણીલક્ષી સામગ્રી લઈને પહોંચ્યા હતા.
રાઠડા બેટ ગામ કડાણા ડેમમાં પાણીની મધ્યમાં આવેલ છે. મતદાન પ્રક્રિયાને લઇ અને ચૂંટણીલક્ષી સામગ્રી સાથે કર્મચારીઓ હોડીમાં બેસી મતદાન મથકે પહોંચ્યા હતા. આદિવાસી વિસ્તારમાં આવેલ આ મતદાન મથકને આદિવાસી જીવન શૈલીને રજૂ કરતી વિવિધ આદિવાસી કળાઓથી સુશોભિત કરવામાં આવ્યું છે. રાઠવા બેટ ગામે 712 મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે. મતદારો મતદાન કરી શકે તે માટે જળ માર્ગે પણ વહીવટી તંત્ર રાઠડા બેટ ગામે પહોંચ્યું હતું. તેમની મધ્યમાં આવેલ હોવાના કારણે રાઠડાબેટ પર પહોંચવા માટે એકમાત્ર માર્ગ જળમાર્ગ છે.
બીજા તબક્કાના મતદાન પહેલા પેટ્રોલ પંપ એસોસિએશનની મોટી જાહેરાત
અમદાવાદ સહિત 14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં થયેલા ઓછા મતદાનના કારણે બીજા તબક્કાના મતદાન પહેલા પેટ્રોલપંપ એસોસિએશન દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ મતદાનનું ચિહ્ન બતાવનારા મતદારોને એક લીટર પર એક રૂપિયા ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે. વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે એસોસિએશન દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી ફંડમાં મળેલા પૈસા ઘર ભેગા કર્યા હોવાનો કાર્યકર્તાએ લગાવ્યો આરોપ
સોમવારના રોજ બીજા તબક્કાનું મતદાન થવાનું છે. જો કે આ પહેલા કોંગ્રેસના ઉમેદવાર પર ચોંકાવનારા આરોપ લાગતા રાજકારણ ગરમાયું છે. સુરતના મજૂરાના કોંગ્રેસના ઉમેદવાર બલવંત જૈન સામે ચૂંટણી માટેનાં નાણાં ઘરે લઈ ગયાનો કાર્યકર્તાઓ દ્વારા આરોપ લગાવવામાં આવતા રાજકારણ ગરમાયું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બલવંત જૈનને વિધાનસભાની ચૂંટણી લડવા માટે પાર્ટી દ્વારા 50 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. પરંતુ બલવંત જૈન દ્વારા માત્ર 20 લાખનો જ ખર્ચ કરાયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ દીપ નાયકને આ અંગે ફરિયાદ કરવામાં આવી છે. બલવંત જૈનને 50 લાખ રૂપિયાનું ચૂંટણી ફંડ આપવામાં આવ્યું હતું. પરંતુ તેમાંથી ઓછા નાણાંનો ખર્ચ કરવાની સાથે અન્ય નાણાં અંગત કામમાં લઈ લેવામાં આવ્યા હોવાના આક્ષેપો કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યા છે. જેથી કાર્યકરોની આ ફરિયાદ અંગે પ્રદેશ કોંગ્રેસમાં પણ જાણ કરવામાં આવી છે