Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પ્રચાર પણ તેનું અલગ સ્વરૂપ લઈ રહ્યો છે. મતદાતાઓને આકર્ષવા રાજકીય પક્ષો નવી નવી તરકીબો અપનાવી રહ્યાં છે. હવે ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અને ઉત્તર પ્રદેશના ગોરખપુના ભાજપના સાંસદ રવિ કિશને ગુજરાતની ચૂંટણી માટે પહેલીવાર ગુજરાતી ભોજપુરીનું મિક્સ રેપ સોંગ ગાયું છે. 


ચૂંટણીને લગતુ રેપ સોંગનું આજે 16મીએ પોસ્ટર જાહેર કરવામાં આવ્યું


રવિકિશનનું આ ચૂંટણીને લગતુ રેપ સોંગનું આજે 16મીએ પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. આ ગીતને આવતી કાલે 17મી નવેમ્બરે રિલીઝ કરવામાં આવી શકે છે. રવિ કિશને આ ચૂંટણી સોંગને લઈને આશાઓ વ્યક્ત કરી છે. 


ગુજરાતી ભોજપુરી મિક્સ ચૂંટણી સોંગના પોસ્ટરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા દેખાઈ રહી છે. સાથે જ તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તસવીર પણ શામેલ કરવામાં આવી છે. રવિ કિશનના ચાહકોને આશા છે કે, આ ગીત ગુજરાતમાં રહેતા ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોની જીભે ચડી જશે. 


કોના પર આધારીત છે આ ગીત 


ગુજરાત ચૂંટણી માટેબનાવવામાં આવેલા આ ગીતમાં રવિ કિશન પોતાના અંદાજમાં કહે છે કે, ગુજરાતમાં મોદી છે (ગુજરાત મેં મોદી હૈ). આખુ ગીત નરેન્દ્ર્ર મોદીની આસપાસ જ ફરે છે. ગીતમાં પીએમ મોદીની ઈમાનદારી, ભ્રષ્ટાચાર-પરિવારવાદ વિરૂદ્ધ તેમની નીતિ સાથે ગુજરાતના વિકાસ, ગાંધી-સરદાર પટેલની વિરાસત તેમજ સોમનાથ-દ્વારકાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 


ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પણ ગાઈ ચુક્યા છે સોંગ


ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશને ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભોજપુરી રેપ સોંગ... યૂપીમેં સબ બા....ગાયુ હતું. જેને લોકપ્રિયતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતાં. આ ગીત લોંચ થયાના પહેલા જ દિવસે સોશિયલ મીડિયા પર ગીતને લાખોમાં વ્યૂજ મળ્યાં હતાં. 
   
ગુજરાતમાં ક્યારે યોજાશે ચૂંટણી? 


ગુજરાતમાં વિધાનસભાની ચૂંઅણી બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે યોજાશે. 8 ડિસેમ્બરે ચૂંટણી પરિણામો જાહેર થશે. પહેલા તબક્કામાં કુલ 182 વિધાનસભાની સીટોમાંથી 89 બેઠકો પર મતદાન યોજાશે જ્યારે બાકીની 93 બેઠકો પર 5 મી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે.