કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જાહેરાત કરતાં કહ્યું હતું કે, હવે રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નથી. રૂપાણી સરકારની કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
ગુજરાતમાં ટ્રાફિકનાં નવા નિયમો અનુસાર હેલ્મેટ ન પહેરવા પર 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હતો. જેના કારણે ગુજરાતીઓનો રોષ ફાટી નીકળ્યો હતો અને ઠેર-ઠેર તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે રૂપાણી સરકારે મોટો નિર્ણય કરતાં નગરપાલિકા અને મહાનગરપાલિકામાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપી છે.
નોંધનીય છે કે, ગુજરાત સરકારે આ નિર્ણય કરતાં જ ફરી એકવાર કેન્દ્ર સરકારની સામે ગુજરાત સરકારે નિયમોમાં છૂટછાટ આપી છે. જોકે આ અગાઉ સરકારે ટ્રાફિક દંડમાં પણ છૂટછાટ આપી હતી જ્યારે આજે શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપી દીધી છે.