ગાંધીનગર: આ વખતે વરસાદ ગુજરાતમાંથી વિદાય લેવાનું નામ લેતો જ નથી. અરબી સમુદ્રમાં બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે 4 અને 5 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી વચ્ચે જૂનાગઢના મેંદરડા અને કેશોદ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં અજાબ અને કેવદ્રામાં વરસાદ પડ્યો છે.

આ કમોસમી વરસાદને પગલે ચોમાસુ પાક ગુમાવી ચૂકેલા ખેડૂતોમાં શિયાળુ પાક પણ નિષ્ફળ જવાની ભીતિને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ કમોસમી વરસાદને કારણે કપાસ, ચણા, જીરૂં, લસણ, ડુંગણી, ઘઉં, એરંડા અને ધાણાંના પાકને ભારે નુકસાન થયું છે.

અમદાવાદનાં હવામાન વિભાગનાં ડાયરેકટર ડો. જયંત સરકારે જણાવ્યું હતું કે, અમદાવાદ સહિત ગુજરાતનાં મોટાભાગના શહેરોમાં સોમવારે ઠંડા પવનથી ભેજ વધતાં ઠંડક વધી ગઈ છે. 4 અને 5 ડિસેમ્બરે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારો ગીર-સોમનાથ અને જૂનાગઢમાં સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે.

ગુજરાતનાં હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ લો પ્રેશર સક્રિય થયાં છે. જેમાંથી દક્ષિણ પશ્ચિમ તરફનું લો પ્રેશર 48 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે અને 72 કલાકમાં સોમાલિયા તરફ આગળ વધશે. જ્યારે અન્ય દક્ષિણ પૂર્વમાં સર્જાયેલા લો પ્રેશરની અસર ગુજરાતમાં થવાથી રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે.

નોંધનીય છે કે, જૂનાગઢના માળિયા હાટીના પંથકમાં અમરાપુર, કાત્રાસા, આંબલગઢ, તરસિંગડા સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.

અરબ સાગરમાં ઉદભવેલ લો પ્રેશરને કારણે પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. જેને પગલે 3થી લઈ 7 ડિસેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.