ગાંધીનગર:  તૌક્તે વાવાઝોડાએ રાજ્યમાં તબાહી મચાવ્યા બાદ ગુજરાતના સિનિયર IAS અધિકારીઓને રાહત કામગીરી અંગે જવાબદારી સોંપવામાં આવી છે. ગીર સોમનાથની જવાબદારી શ્રમ અને રોજગાર  વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાને સોંપાઈ છે.  ભાવનગરની શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય  સચિવ મુકેશ પુરીને જવાબદારી સોંપાઈ છે.  જુનાગઢ માટે કમલ દયાની તથા અમરેલીમાં મનોજ અગ્રવાલની નિમણુંક કરી છે. પ્રધાનમંત્રી  નરેંદ્ર મોદીએ તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લીધા બાદ 1 હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. 


તૌક્તે વાવાઝોડાના કારણે રાજ્યમાં ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી અને જૂનાગઢ એમ ચાર જિલ્લામાં સૌથી વધુ તારાજી થઈ છે. ભારે વરસાદને કારણે કૃષિ ક્ષેત્રને સૌથી વધુ નુકસાન થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં ઇલેક્ટ્રિકના ફિડરો અને ઉર્જા વિભાગના સાધનોને પણ નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઇ જતાં ઉભા પાકને પણ ભારે નુકસાન છે. રાજ્યના માર્ગો અને સંખ્યાબંધ કાચા મકાનોને પણ નુકસાન થયું છે. પશુપાલકોના પશુઓનું પણ નુકસાન હોવાથી તેનું સર્વેક્ષણ કરાશે.


રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કહ્યું હતું કે, ખેડૂતોને જે નુકસાન થયું છે, તેનો સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એસડીઆરએફના નિયમો પ્રમાણે ખેડૂતોને સહાય ચૂકવાશે. ખેતીવાડીને થયેલા નુકસાન સંદર્ભે સર્વેક્ષણ માટે પ્રભાવિત જિલ્લા કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે.


 પ્રધાનમંત્રી  નરેંદ્ર મોદીએ તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લીધા બાદ 1 હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. પીએમ મોદીએ ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. 


મૃતકોના પરીજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. વાવાઝોડામાં ઘાયલ થયેલા છે તેમને 50,000 રૂપિયાની મદદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે સવારથી વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે હતા. તેમણે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.


મુખ્યમંત્રી વિજય રૂપાણી વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાના અંતરિયાળ ગામોની જાત-મુલાકાત લઇને આ વાવાઝોડા ને કારણે થયેલી નુકસાની અને ગામની સ્થિતિનો ક્યાસ મેળવી રહ્યા છે.