ધોરણ 10 અને 12ના ગુજરાત બોર્ડના રીપીટર વિદ્યાર્થીઓને નહી મળે માસ પ્રમોશન. ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી યોજવાનો નિર્ણય માધ્યમિક શિક્ષણ બોર્ડે લીધો છે. ગુજરાત બોર્ડના ખાનગી અને પૃથ્થક ઉમેદવારોને પરીક્ષાની તારીખો જાહેર કરાઈ છે. જો કે પરીક્ષાાનો વિગતવાર કાર્યક્રમ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.


નોંધનીય છે કે, ગુજરાત શિક્ષણ બોર્ડે  ધોરણ 12માં માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી જેના ભાગરૂપે ધોરણ-12 ગુજરાત બોર્ડના પરિણામની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12ની પરીક્ષાના માર્કસના આધારે રિઝલ્ટ તૈયાર થશે. જુલાઈના અંતમાં પરિણામ જાહેર કરવામાં આવશે. ધો. 10ના પરિણામના 50 માર્ક્સ. ધો.11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે. જુલાઇના બીજા અઠવાડિયામાં માર્કશીટ મળી જશે.


ઉલ્લેખનીય છે કે રાજય સરકારે ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો.


કેન્દ્રિય બોર્ડ સીબીએસઈએ પણ ધોરણ 12માં માર્કસ આપવાની ગણતરીની ફોર્મ્યુલા સુપ્રીમ કોર્ટને જણાવી હતી જેને કોર્ટે મંજૂરી આપી દીધી છે.


પરિણામ તૈયાર કરતાં સમયે ધોરણ 10ના ત્રણ વિષયોના આધારે 30 ટકા માર્ક્સ આપવામાં આવશે. 11ના આધારે 30 ટકા માર્ક્સ આપવામાં આવશે. પ્રી બોર્ડના આધારે બાકીના 40 ટકા માર્ક્સ આપવામાં આવશે.


ધોરણ 12માં માર્ક્સ આપવાની સુનાવણી દરમિયાન એટર્ની જનરલે કહ્યું કે, આ પ્રકારની સ્થિતિ પહેલા ક્યારેય આવી નથી. તેમણે કહ્યું કે, સીબીએસઈ ધોરણ 10, 11 અને 12ના પ્રી બોર્ડ પરિણામને ગણ્યા છે. 10માંના 5 વિષયમાંથી 3 વિષયના સૌથી સારા માર્કસ ગણવામાં આવશે.


જે અનુસાર, ધોરણ 10માંથી 30 ટકા (ટોપ ત્રણ વિષય, જેમાં સૌથી વધારે માર્કસ આવ્યા હોય) ધોરણ 11માંથી 30 ટકા (ટોપ ત્રણ વિષય જેમાં સૌથી વધારે માર્ક્સ આવ્યા હોય અને ધોરણ 12 પ્રી બોર્ડમાંથી 40 ટકા મળશે. (ટોપ ત્રણ વિષય જેમાં સૌથી વધારે માર્ક્સ આવ્યા હોય.)