Republic Day Parade 2026: ગુજરાતના ટેબ્લોએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબ્લો રજૂ કરાયો હતો. ગુજરાતનો ટેબ્લો વંદે માતરમ અને સ્વતંત્રતાની થીમ પર હતો. લોકોએ ભરપૂર વોટિંગ કરી ગુજરાતના ટેબ્લોને પ્રથમ સ્થાન અપાવ્યું હતું.

Continues below advertisement
Continues below advertisement

77માં પ્રજાસત્તાક દિવસે દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલી ભવ્ય પરેડમાં 30 ઝાંખીઓએ દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ખાસ કરીને ગુજરાતની ઝાંખીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ગુજરાતના ટેબ્લોને વર્ષ 2026 માટે “પોપ્યુલર ચોઈસ એવોર્ડ” મળ્યો છે. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ચોથા વર્ષે “પોપ્યુલર ચોઈસ એવોર્ડ” શ્રેણીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને ઇતિહાસ સર્જ્યો છે. ગુજરાતના ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદેમાતરમ’ થીમ આધારિત ટેબ્લોએ  આકર્ષણ જમાવ્યું હતું. ગુજરાતના ટેબ્લોએ વર્ષ 2023, 2024, 2025 અને હવે 2026માં સળંગ ચાર વર્ષ આ કેટેગરીમાં પ્રથમ પુરસ્કાર જીત્યો હતો. 

મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી વ્યક્ત કરી ખુશી 

આ એવોર્ડ મળતાની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં ખુશી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, "ઘણા આનંદની વાત છે કે 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ચોથા વર્ષે “પોપ્યુલર ચોઈસ એવોર્ડ” શ્રેણીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને ઈતિહાસ સર્જ્યો છે. ગુજરાતના ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદેમાતરમ’ થીમ આધારિત ટેબ્લોએ ભારે ઉત્સુકતા અને આકર્ષણ જમાવ્યું હતું. રાષ્ટ્રભક્તિની સાથે રાજ્યના સ્વાતંત્ર્યવીરોના યોગદાનને ઉજાગર કરતા ગુજરાતના ટેબ્લોને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. આ અગાઉ વર્ષ 2023, 2024 અને 2025માં એમ સળંગ ત્રણ વર્ષ ગુજરાતના ટેબ્લોએ આ શ્રેણીમાં પ્રથમ પુરસ્કાર મેળવ્યો છે."

ગુજરાતનો ટેબ્લો 'વંદે માતરમ'ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે ખૂબ જ ભવ્ય અને પ્રેરણાદાયી રહ્યો હતો. આ ટેબ્લોમાં સ્વદેશી, આત્મનિર્ભરતા અને સ્વતંત્રતાના મંત્રને અદ્ભુત રીતે દર્શાવવામાં આવ્યા હતા. આ દૃશ્ય જોઈને કર્તવ્ય પથ પર દરેક લોકો 'વંદે માતરમ' અને 'ભારત માતાકી જય'ના નારા લગાવવા લાગ્યા હતા.