Accident cases in Gujarat: દિવાળીમાં રાજ્યમાં માર્ગ અકસ્માત અને દાઝી જવાના કેસમાં વધારો થયો છે. 12 નવેમ્બરે દિવાળીના દિવસે માર્ગ અકસ્માતના કેસમાં 59.40 ટકા જેટલો વધારો નોંધાયો છે. સામાન્ય દિવસોમાં 108 ઈમરજંસી એમ્બ્યુલન્સને વાહન અકસ્માતના રોજના સરેરાશ 431 કેસ કોલ્સ મળતા હોય છે. પરંતુ દિવાળીમાં આ આંક 678 પર પહોંચ્યો છે. જેમાં ઈજાગ્રસ્ત દર્દીઓને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હૉસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં.


આ સાથે દાઝી જવાના 41 કેસ એટલે કે સામાન્ય દિવસોની સરખામણીએ 515 ટકા જ્યારે પડી જવાના કેસમાં 20 ટકાનો વધારો દેખાયો છે. તો વિવિધ ઈમરજંસીના સામાન્ય દિવસોમાં ત્રણ હજાર 961 કોલ્સની સામે ચાર હજારથી વધુ કોલ્સ આવ્યા છે. તેમાં પણ અકસ્માતના સૌથી વધુ કેસ અમદાવાદ, વડોદરા અને સુરતમાં નોંધાયા છે. તો દાઝી જવાના અમદાવાદમાં 10 કેસ 108ને મળ્યા.


અમદાવાદમાં વહેલી સવારે સિંધુ ભવન રોડ પર અકસ્માત થયો છે. મર્સડીઝ ગાડીએ એક સાથે બે ગાડીને ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો. સવારના 03: 26 મિનિટે આ અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ મર્સિડીઝ અને ઓડી કાર એક બીજા સાથે રેસ લગાવી હતી. આ રેસના ચક્કરમાં એક સાથે બે ગાડીઓનો અકસ્માત થયો હતો. અકસ્માત કરના મર્સિડીઝ કાર રિશીત પટેલ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. રિશીત પટેલ દારૂ પીને ગાડી ચલાવતો હોવાનો જે પરિવાર સાથે અકસ્માત થયો તેઓનો આક્ષેપ છે. રિશીત પટેલના મિત્રોએ દારૂની બોટલ અને ગ્લાસ સગેવગે કર્યાના અહેવાલ છે.


કાર ચાલક રિશીત પટેલ RM બાયોવિસ્ટા કંપનીનો MD છે. અકસ્માત બાદ રિશીતના માણસોએ મારપીટ કર્યાનો આરોપ છે. એટલું જ નહીં અકસ્માત બાદ રિશીતના મિત્રોએ નંબર પ્લેટ કાઢી લીધી હતી. રિશીત 150થી 200ની સ્પીડે કાર ચલાવતો હોવાનો આરોપ છે. નબીરાના પરિવારજનોએ પણ રૂપિયાના નશામાં એલફેલ નિવેદનો કર્યા. સાંજ સુધીમાં છોડાવી લેવાના રિશીત પટેલના પરિવારજનોએ કર્યા નિવેદન.


નોંધનીય છે કે, આ પહેલા તથ્ય પટેલ નામના યુવકે ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જીને 9 લોકોને કચડ્યા હતા. હાલ તથ્ય પટેલ જેલમાં છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને મોટો ઝટકો લાગ્યો છે. જામીન અરજીને લઈને કોર્ટે તથ્ય પટેલને ઝટકો આપ્યો છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે જામીન અરજી નામંજૂર કરી છે. જેથી હવે તથ્ય પટેલને જેલમાં જ રહેવું પડશે.