ગીર સોમનાથ કે જ્યાં તાઉતે વાવાઝોડાએ તો તબાહી મચાવી જ સાથે જ તેના નુકસાનની ભરપાઈ કરવી ગરબો માટે પડ્યા માથે પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. ગઈ 17 તારીખે ગીરમાં ત્રાટકેલા વાવાઝોડાને કારણે કોડીનાર, ઉના, ગીર ગઢડા અને જાફરાબાદ તાલુકાના અનેક વિસ્તાર તબાહ થઈ ગયા છે. ખાસ કરીને દરિયાકિનારે આવેલા લોકોના મકાનો, દુકાનો, વાડી વિસ્તારોના ઢાળિયાના નળિયા, પતરાં ઉડી ગયા છે. જેને કારણે ગીર વિસ્તારમાં પતરા અને નળિયાની ભારે માગ વધી છે.


ઉનાથી 40 કિલોમીટર દૂર લોકો પતરા ખરીદવા કોડીનાર આવી રહ્યા છે. પરંતુ પતરાના ભાવ ઉંચા સાંભળી લોકોના આંસુ નીકળી રહ્યા છે. નળિયા અને પતરા લેવા આવેલા લોકોનું કહેવું છે કે, પતરાના ભાવ એક મહિના પહેલા એક મીટરના 175થી 180 હતા. જેના હવે 220થી 240 રૂપિયા વસુલાઈ રહ્યા છે. તો સામે ઉનામાં એક પતરું પણ મળતું ન હોવાનું અને કોડીનારમાં પણ અછત હોવાનું લોકો કહી રહ્યા છે. બીજી તરફ કલેક્ટરનું કહેવું છે કે, જો કોઈ પણ દુકાનદાર પતરાના વધુ ભાવ વસુલશે ત્યા રેડ કરવામાં આવશે અને દુકાન સીલ કરીશું.


નોંધનીય છે કે, તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી હતી. વાઝોડાના કારણે સર્જાયેલ આકસ્મિક ઘટનાઓમા રાજ્યમાં કુલ 45 લોકોનાં મૃત્યુ થયા હતા. જેમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં 15 લોકોના મૃત્યુ થયા છે. જેમાં મકાન ધસી પડવાથી બે અને દીવાલ પડવાની 13 લોકોના મૃત્યુ થયા છે. તો ભાવનગરમાં કુલ 8 લોકોના મૃત્યુ થયા છે. જેમાં ઝાડ પડવાની બે, મકાન ધસી પડવાથી બે, દીવાલ પડવાથી ત્રણ અને છત પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.


તો ગીર સોમનાથમાં 8 લોકોના અવસાન થયા છે. જેમાં ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 1, દીવાલ પડવાથી 4, છત પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. તો અમદાવાદમાં કુલ પાંચ લોકોના મૃત્યુ થયા છે. જેમાં વીજ કરંટથી 2, દીવાલ પડવાથી 2 અને છત પડવાથી 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે અને ખેડામાં બે લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ આણંદ, વડોદરા, સુરત, વલસાડ, રાજકોટ, નવસારી અને પંચમહાલમાં એક-એક વ્યક્તિઓની મૃત્યુ થયા છે.