અમદાવાદઃ ગુજરાતના વાહનચાલકો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યના વાહન વ્યવબાર વિભાગે લોકોને પડી રહેલી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને તમામ આરટીઓ કચેરીઓ 22-09-2019ના રોજ એટલે કે રવિવારે પણ ખુલ્લી રાખવાની જાહેરાત કરી છે.

દેશમાં નવા મોટર વ્હીકલ એક્ટ બાદ રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં વાહન ચાલકોની ભીડ વધી ગઈ છે. આરટીઓમાં આરસી બુક, ડ્રાઈવિંગ લાયસન્સ, ફિટનેસ વગેરેના જરૂરી કામકાજ માટે વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી છે. જેને ધ્યાનમાં રાખતા આગામી રવિવારે  આરટીઓ કચેરી ખુલ્લી રાખવાનો સરાકરે નિર્ણય કર્યો છે. આ માટે વાહન વ્યવહાર વિભાગે રાજ્યની તમામ આરટીઓ કચેરીને આદેશ કર્યો છે કે, રવિવારે પણ અધિકારીઓ અને સ્ટાફે હાજર રહેવું પડશે.

આ પહેલા પણ ગુજરાત સરકારે નવા મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ લોકોને આંશિક રાહત આપતા કાયદાના અમલની મુદતમાં એક મહિના વધારો કર્યો હતો. ગુજરાતમાં નવો કાયદો 16 સપ્ટેમ્બરથી લાગુ થયો હતો જે હવે રાજ્યમાં 15મી ઓક્ટોબર સુધી લંબાવી દેવામાં આવ્યો છે. આ મામલે વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી.

ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમો બાદ સરકાર એક બાદ એક પીછેહઠ કરી રહી છે. પહેલાં પીયુસી માટે લાંબી લાઈનો લાગતાં સરકારે પીયુસી માટેની મુદત પાછી ઠેલવી હતી. પછી બાદમાં હેલ્મેટ માટેની મુદત પણ પાછી ઠેલવાની સરકારને ફરજ પડી હતી. અને હવે આરટીઓ કચેરીઓએ લાંબી લાઈનો લાગતાં સરકારને રવિવારે પણ આરટીઓ કચેરી ચાલુ રહેશે તેવી જાહેરાત કરવી પડી હતી. ત્યારે અહીં સવાલ એ થાય છે કે, સરકારે કેમ આ મામલે કોઈ આયોજન ન કર્યું, કેમ સરકારે નિયમો લાગુ કરતાં પહેલાં કેમ નાગરિકોને સમય ન આપ્યો. અને બાદમાં કેમ સરકાર મુદતમાં વધારો કરી રહી છે. તો બીજી બાજુ આરટીઓ કચેરીમાં પૂરતો સ્ટાફ પણ નથી. અને હવે આરટીઓ કર્મચારીઓને એક દિવસ પણ રજા ન મળે. તે વાતને લઈને પણ આરટીઓ કર્મચારીઓમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ હશે જ.