અમદાવાદઃ ગુજરાત સરકારે સોશિયલી ઈકોનોમિકલી બેકવર્ડ ક્લાસ (SEBC)ના લાખો યુવાનો અને વિદ્યાર્થીઓને મોટી રાહત આપતાં જ્ઞાતિના પ્રમાણપત્ર-દાખલાની મુદત 1 વર્ષ સુધી વધારી દીધી છે. ગુજરાતમાં સોશિયલી ઈકોનોમિકલી બેકવર્ડ ક્લાસ (SEBC)ને અધર બેકવર્ડ ક્લાસ (OBC) પણ કહે છે. SEBC-OBC વર્ગો માટેના જ્ઞાતિના દાખલાના કિસ્સામાં જે યુવાઓના દાખલા-પ્રમાણપત્રની મુદત 31 માર્ચ, 2020ના રોજ પૂરી થઈ ગઈ છે તે દાખલા વધુ એક વર્ષ માટે માન્ય ગણાશે. આ દાખલા હવે 31 માર્ચ, 2021 સુધી માન્ય રાખવામાં આવશે.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા આવકના દાખલાઓ-પ્રમાણપત્રની મુદત પણ એક વર્ષ વધારી દેવાઈ છે. જે દાખલાની મુદત 31 માર્ચ, 2020ના રોજ પૂરી થઈ ગઈ છે તે દાખલા વધુ એક વર્ષ માટે માન્ય ગણાશે. આ દાખલા હવે 31 માર્ચ, 2021 સુધી માન્ય રાખવામાં આવશે. ગુજરાતમાં OBC માટેના નોન ક્રિમીલીયર સર્ટીફિકેટ આવક દાખલાની સમયમર્યાદા 3 વર્ષની હોય છે. મુખ્યમંત્રીશ્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે આવા જે નોન ક્રિમીલીયર પ્રમાણપત્રોની સમયમર્યાદા 31 માર્ચ, 2020ના રોજ પૂરી થઈ ગઈ છે તે દાખલા વધુ એક વર્ષ માટે માન્ય ગણાશે. આ દાખલા હવે 31 માર્ચ, 2021 સુધી માન્ય રાખવામાં આવશે. મુદત વધારા માટે તેમણે મામલતદાર કચેરી કે અન્ય સક્ષમ સત્તાધિકારી સમક્ષ જવાની કે ઓનલાઇન અરજી કરવાની રહેશે નહિ
લોકડાઉન બાદ હવે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થતાં લાખો યુવાઓને નોન ક્રિમી લેયર સર્ટીફિકેટના દાખલા મેળવવા મામલતદાર કચેરી કે સરકારી કચેરીએ જવું નહિ પડે. રાજ્યમાં અનૂસુચિત જાતિ-જનજાતિના યુવાઓ-લોકોને જે જ્ઞાતિ પ્રમાણપત્ર આપવામાં આવે છે તે આજીવન માન્ય રહે છે.