ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે બદલીઓનો વધુ એક દોર હાથ ધરીને શનિવારે રાત્રે સાંજે ત્રણ IPS અધિકારીની ટ્રાન્સફર કરી હતી. આ અધિકારીઓમાં દીપેન ભદ્રેન, શ્વેતા શ્રીમાળી અને કે. કે. નિનામાનો સમાવેશ થાય છે.


દીપેન ભદ્રેનને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCP પદેથી હટાવીને જામનગર જિલ્લા પોલીસ વડા (SP) બનાવાયા છે. 2007ની બેચના IPS અધિકારી દીપેન ભદ્રેનને હટાવી દેવાયા એ મુદ્દો પોલીસ તંત્રમા ચર્ચાનો વિષય બન્યો છે. સરકારની ગુડબુકમાં રહેલા દીપેન ભદ્રેનને પ્રમોશન અપાવાની અટકળો ચાલી રહી હતી ત્યારે તેમની છેક છેવાડાના જિલ્લામાં બદલી કરાઈ છે.

જામનગર જિલ્લા પોલીસ વડા (SP) શ્વેતા શ્રીમાળી 2010ની બેચના IPS અધિકારી છે. શ્રીમાળીની SRPF ગ્રુપ-17માં બદલી કરી દેવાઈ છે. પોતાના તાબા હેઠળના સબ ઈન્સ્પેક્ટર રાદડિયા દ્વારા આચરવામાં આવેલા ગુના હેઠળ જપ્ત મોટરકારના કાંડ બદલ શ્રીમાળીની ટ્રાન્સફર થયાનું કહેવાય છે. જો કે સૂત્રોના મતે, શ્વેતા શ્રીમાળી પ્રેગનન્ટ છે અને ત્રણ મહિના પછી બાળકને જન્મ આપશે. આ કારણે તે વધારે સ્ટ્રેસ લેવા નથી માગતાં તેથી તેમને કામનો બહુ બોજ ના પડે એવી જગાએ મૂકવામાં આવ્યાં છે.

જામનગરના SRPF ગ્રુપ-17માંથી કે. કે. નિનામાને કેવડિયા કોલોની સ્થિત SRPF ગ્રુપ-18ના કમાન્ડન્ટ તરીકે મૂકવામાં આવ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં DCP દિપેન ભદ્રેનની જગ્યાએ ગૃહ વિભાગે અન્ય કોઈની નિમણૂંક કરી નથી.