દમણઃ રશિયા દ્વારા યુક્રેન ઉપર હુમલો કરવામાં આવતા અસંખ્ય ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે, જેમાં સંઘપ્રદેશ દમણની એક યુવતી પણ ફસાઈ જતા એક વીડિયો પોસ્ટ કરી યુવતી દ્વારા મદદ માંગવામાં આવી છે જેને લઇને પરિવારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ જાહેર થતાં અનેક ભારતીયો અને ખાસ કરી ને અસંખ્ય વિદ્યાર્થીઓ યુક્રેન માં ફસાયા છે.
દમણના દુનેઠા વિસ્તારમાં રહેતા શર્મા પરિવારની માનસી શર્મા નામની વિદ્યાર્થિની પણ યુક્રેન માં ફસાઈ છે. બંને દેશ વચ્ચે યુધ્ધ સરું થતાં માનસી અને અહી દમણ માં રહેતા તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. દુનેઠાંમાં રહેતા સુનીલ શર્માની પુત્રી 4 વર્ષથી યુક્રેનમાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરી રહી છે. માનસી યુક્રેનના પોલેન્ડની બોર્ડર નજીક આવેલા ઇવાનો પ્રાંત માં રહી અને અભ્યાસ કરી રહી છે. જ્યારથી યુદ્ધ જેવો માહોલ સર્જાયો છે ત્યારથી માનસી તેના પરિવારજનો સાથે સતત સંપર્કમાં છે . રસિયાએ યુદ્ધ જાહેર કરતાં જ અહીં તેના પરિવારજનોના જીવ અધ્ધર થઇ ગયા હતા.દિવસભર પરિવારજનો પોતાની પુત્રીના સંપર્કમાં રહ્યા છે અને વિડીયો કોલ દ્વારા તેની હાલચાલ જાણી રહ્યા છે
માનસીએ પણ યુક્રેનથી એક વિડીયો મોકલાવી અને ભારત સરકાર સમક્ષ મદદની માંગ કરી છે. અહીં તેના પરિવારજનોમાં પણ ચિંતાનો માહોલ છે. શર્મા પરિવારની પુત્રી યુક્રેનમાં ફસાઇ હોવાની જાણ થતા જ તેમના પડોશીઓ અને દમણના અગ્રણીઓ શર્મા પરિવારની મુલાકાત લઈ અને હૈયા ધરપત આપી રહ્યા છે. સાથે જ પરિવારજનો એ પણ અહીં દમણ પ્રશાસનથી લઈ સરકારી તંત્રને સમગ્ર હકીકતથી વાકેફ કર્યા છે અને પોતાની પુત્રીને યુક્રેનથી બહાર લાવવા ભારત સરકાર મદદ કરે તેવી માંગ કરી છે.