Sabarkantha: એક તરફ ચોમાસાની ઋતુમાં રાજ્યમાં ઝાડ,ઉલટી અને તાવના કેસો વધી રહ્યા છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં એક નવા રોગે માથું ઉચક્યું છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા નામના વાયરસે દસ્તક આપી છે. જેના કારણે સંક્રમિત થયાના 2 દિવસમાં ચાર બાળકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ વાયરસને લઈને સક્રિય બની છે અને તપાસ પણ શરૂ કરી છે.


કોરોના વાયરસ બાદ ગુજરાતમાં ચાંદીપુરા નામના વાયરસે દસ્તક આપી છે. આ વાયરસના કારણે 2 દિવસમાં 4 બાળકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સાબરકાંઠા સિવિલ હોસ્પિટલમાં આ બાળકોના મોત થયા હતા. હાલમાં બાળકોના સેમ્પલ પુના ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. તો બીજી તરફ, આ વાયરસના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે.


અન્ય બે બાળકો સારવાર હેઠળ છે
મળતી માહિતી મુજબ, આ વાયરસથી સંક્રમિત અન્ય બે બાળકોની સારવાર ચાલી રહી છે. બાળકોના મોત બાદ આરોગ્ય વિભાગ પણ સક્રિય બન્યું છે અને નવા વાયરસને લઈને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સર્વે શરૂ કર્યો છે.


ઈન્ફેક્શનને કારણે મગજમાં સોજો આવે છે
મળતી માહિતી મુજબ, 'ચાંદીપુરા' વાયરસથી સંક્રમિત બાળકોના મગજમાં સોજો અને અન્ય ઘણા લક્ષણો દેખાવા લાગે છે. આરોગ્ય વિભાગ દ્વારા વાયરસથી સંક્રમિત બાળકોના પરિવારના સભ્યોના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે. જો કે, હજુ સુધી એ વાત સામે આવી નથી કે, બિમારી ક્યા કારણે થઈ રહી છે. જો કે, આ અજાણ્યા વાયરસથી થતા મોતને કારણે લોકોમાં ડરનો માહોલ જરુર છે.


6 સેમ્પલ તપાસ માટે પુણે મોકલવામાં આવ્યા હતા
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ 6 દર્દીઓ દાખલ થયા હતા. સાબરકાંઠાના ખેડબ્રહ્માના એક દર્દીનું મોત થયું છે. જ્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડામાં પણ બેના મોત થયા છે. અત્યાર સુધીમાં પાંચ લોકોના સેમ્પલ પુણેની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે વધુ એક સેમ્પલ મોકલવાનું બાકી છે.


સેમ્પલનો રિપોર્ટ સોમવારે આવશે. વાઈરસને લઈને આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વાયરસને રોકવા માટે રવિવારે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજવામાં આવી શકે છે. બેઠકમાં પરીક્ષણ સહિત અન્ય યોજનાઓ પર નિર્ણય લેવામાં આવશે.