મહેસાણાઃ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ ત્રાટક્યો હતો. ઉત્તર ગુજરાતમાં ગુરુવારે રાતે બનાસકાંઠામાં ભારે વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં થરાદ પંથકમાં યુવાન પર વીજળી પડતાં મોત નીપજ્યું હતું. તેમજ શુક્રવારે સાંજે મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વાવાઝોડા સાથે ખાબક્યો હતો. જેના કારણે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
શુક્રવારે સાંજે મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે 40થી 45 કિલોમીટરની ઝડપે વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં મહેસાણામાં 25 મીનિટની અંતરે બે વખત ફૂંકાયેલા વાવાઝોડા અને વરસાદના કારણે સોમનાથ રોડ પર એક્ટીવા લઈને જઈ રહેલી યુવતી પર મંડપનો ગેટ પડતાં ઈજાગ્રસ્ત થઇ હતી. વિસનગર અને વિજાપુર તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો.
મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં વાવાઝોડા સાથે ખાબકેલા વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી. આ ઉપરાંત શનિવારે ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠામાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
ગુરૂવારે રાતે બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, લાખણી અને ધાનેરા વિસ્તારમાં ભારે વાવાઝોડા અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો. થરાદના ચાંગડા ગામના ખેડૂત દાનાભાઈ ભારે ગાજવીજને જોઈ ખેતરમાં બાંધેલી બે ભેંસોને લેવા જતાં હતા ત્યારે તેમની પર વીજળી પડતાં બંને ભેંસ સાથે તેમનું પણ મોત નિપજ્યું હતું.