Sabarkantha News: સાબરકાંઠા જિલ્લામાં એક ભયાનક અકસ્માતની ઘટના ઘટી છે, ગઇકાલે મોડીરાત્રે હિંમતનગર નજીક આવેલા હાઇવે પર બે બાઇક સામસામે ટકરાતા બે લોકોના મોત થઇ ગયા હતા, જ્યારે એકની ગંભીર રીતે ઇજા પહોંચતા હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં ગાંભોઇ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલા હાઇવે પર ગઇકાલે રાત્ર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરના ગાંભોઇ-ભિલોડા સ્ટેટ હાઇવે પર મોડી રાત્રે બે બાઇક આમને સામને ટકરાયા હતાં જેમાં બે યુવાનો મોતને ભેટ્યા હતા, જ્યારે એકની હાલત ગંભીર થઇ ગઇ હતી. બાઇક પર જઇ રહેલા યુવાનનું હેલ્મેટ પહેરેલું હોવા છતાં ઇજા પહોંચતા અકસ્માતમાં મોત નીપજ્યુ હતુ. અકસ્માતમાં મૃત્યુ પામનારા યુવકોમાં એક કૌશિક પંચાલ હતો જે હિંમતનગરના બામણાનો રહેવાસી હતો, જ્યારે અન્ય યુવક મહેસ નીનામા હતો જે વિજયનગરના ચિત્રોડાનો વતની હતો. ઘટનાની જાણ થતાં જ ગાંભોઇ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી શરૂ કરી હતી. મૃતદેહોને ગાંભોઇ સરકારી હૉસ્પિટલમાં પીએમ માટે મોકલી દેવામાં આવ્યા હતા.


આ પહેલા અંબાજીના ત્રિશુલિયા ઘાટ લક્ઝરી પલટી હતી


શ્રદ્ધાળુઓ ભરેલી બસ ત્રિશુલિયા ઘાટ નજીક પલટી મારતા બસમાં સવાર 50થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.  જ્યારે તંત્રને આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.  તમામ મુસાફરોને દાંતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.  જ્યાંથી વધુ સારવાર માટે 15થી વધુ એમ્બ્યુલન્સ દ્વારા 50થી વધુ ઇજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે 20થી વધુ ડોક્ટરની ટીમ તેમજ પેરા મેડિકલ સ્ટાફ દ્વારા તમામ ઇજાગ્રસ્તોની સારવાર હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માતની ઘટનામાં બે લોકો સહિત એક બાળકનું મોત થયુ હતું. આ ઘટનાને લઈને બનાસ મેડિકલ ચેરમેન પરથીભાઇ ચૌધરી જિલ્લા કલેકટર,  બનાસકાંઠા જિલ્લા પોલીસવડા સહીત પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ અકસ્માતની ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. શંકરભાઈ ચૌધરીએ  તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને ઝડપથી સારવાર મળી રહે તે માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સંચાલકોને સૂચના આપી છે. 


આ પણ વાંચો


Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરૂ, પ્રવાસીઓની જીપ્સીને લીલી ઝંડી બતાવીને અપાયો જંગલમાં પ્રવેશ