હિંમતનગરઃ સાબરકાંઠામાં રક્ષાબંધનની આગલી રાતે અકસ્માત સર્જાયો હતો. હિંમતનગર-અંબાજી હાઈવે પર લક્ઝરી બસને અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રિએ હિંમતનગરના વકતાપુર પાસે લક્ઝરી બસ પલટી ગઈ હતી. જેમાં એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. બસમાં સવાર મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જાદર પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.


આ અંગેની વિગતો એવી છે કે, શનિવારે રાત્રે 1 વાગ્યે વક્તાપુર જૈન મંદિર પાસે રાજસ્થાન પાસિંગની 50 જેટલા પેસેન્જર ભરેલ લક્ઝરી બસનું આગળનું ટાયર ફાટતાં પલટી ગઈ હતી. જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે તથા બીજી મહિલાનું સારવારમાં મોત નિપજયું હતું. 20થી વધુ ઈજાગ્રસ્તોને 108 દ્વારા હિંમતનગર સિવિલમાં અર્થે ખસેડાયા હતા.


રાત્રે એકાદ વાગ્યાના સુમારે ઈડરથી હિંમતનગર તરફથી આવતી આરજે-43-પીએ-0605 નંબરની લક્ઝરીનું આગળનું ટાયર ફાટતાં પલટી ખાઇ ગઇ હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ક્રેન બોલાવી લક્ઝરી હટાવી વાહન વ્યવહાર રાબેતા મુજબનો કરાયો હતો.


આ અકસ્માતમાં શારદાકુવર ચંપાલાલ રાજપુરોહિત (ઉ.વ.45, રહે.વ્યારા) અને જમકુબેન ઉર્ફે જમુબેન ભવરલાલ રાજપુરોહિત ઉ.વ.45 (રહે.બારડોલી)નું મોત થયું હતું. જ્યારે 20 જેટલા મુસાફરોને ઇજા થઈ હતી.