જૂનાગઢ: ગિરનાર પર્વત પરના ગુરૂ દત્તાત્રેય શિખર પર દિગંબર જૈન સમુદાય દ્વારા સુત્રોચ્ચાર કરી હલ્લાબોલ કરવા મામલે હવે સંતો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. આજે ભવનાથ શ્રી ભારતી આશ્રમ ખાતે સંત સંમેલન યોજાયું હતું. જેમાં રાજ્યભરમાંથી સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.
આ સંત સંમેલનમાં પરબધામના કરશનદાસ બાપુ, અગ્નિ અખાડાના અધ્યક્ષ મુક્તાનંદ બાપુ, ગુરૂ ગોરક્ષનાથ આશ્રમના યોગીશ્રી શેરનાથજી બાપુ, મહામંડલેશ્વર શ્રી હરીહરાનંદ ભારતી બાપુ, બળેજના ભુવા આતા શ્રી જેઠા આતા, અંબાજી મંદિર મોટાપીરબાવા તનસુખગીરીજી બાપુ સહીત મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. સંત સંમેલનમાં સનાતન ધર્મના સંતો મહંતો, ગુજરાત અને મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
પાલીતાણામાં 12 વર્ષથી સાધુઓ લડે છે
આ સંત સંમેલનમાં મહેશગિરીએ કહ્યું કે, સનાતન માટે બધા ભેગા થયા છે. પાલીતાણામાં 12 વર્ષથી સાધુઓ લડે છે અહીં ગિરનારમાં એટલો સમય નથી થવા દેવો. શાંતિથી અમને રહેવા દો. તમે શિખર પરથી ઉતર્યા અને સલામત રેલવે સ્ટેશન પહોંચ્યા એ અમારી સાધુની કૃપા જ હતી. FIR કાલે રાતે નોંધાઈ, આ સનાતનની તાકાત છે.
તમને જણાવી દઈએ કે, 1 ઓક્ટોબરના રોજ ગિરનાર પર્વત પર ગુરૂ દત્તાત્રેય શિખર પર આ ઘટના બની હતી. જેમાં જૈન સમુદાયના કેટલાક લોકો દ્વારા સુત્રોચ્ચાર અને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ઘટનાના એક અઠવાડિયા બાદ સાધુ સંતો દ્વારા પત્રકાર પરિષદ યોજી ફરીયાદ દાખલ કરવા માંગ કરવામાં આવી હતી. અરજી બાદ પણ પોલીસ દ્વારા ફરીયાદ દાખલ કરવામાં નહીં આવતા FIR દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી. સંત સંમેલનની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગઈકાલે આ મુદ્દે પોલીસ ફરીયાદ નોંધાઈ. ભવનાથ પોલીસ સ્ટેશનમાં બે મહિલા સહિત સાત લોકો સામે ગુન્હો નોંધાયો છે.
કુલ 7 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઇ
સુધીર નામના શખ્સ સહીત કુલ 7 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઇ છે. તો બીજી તરફ સાધુ સંતોમાં જૈન અનુયાયીઓ વિરુદ્ધ ફરિયાદ નહી નોંધવા બાબતે ખુબ રોષ હતો. ૧/૧૦/૨૩ ના રોજ દતાત્રય શિખર પર બનેલા બનાવ બાદ ૭/૧૦/૨૩ ના રોજ સાધુ સંતો દ્વારા ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જે બાદ હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.