Sant Sammelan: જૂનાગઢના ભવનાથ સ્થિત ગોરક્ષનાથ આશ્રમ ખાતે સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુક્તાનંદ બાપુના અધ્યક્ષ સ્થાને આયોજિત આ સંત સંમેલનમાં રાજ્યમાંથી અનેક સંતો મહંતો હાજર રહ્યા હતા. આ સંત સંમેલનમાં અનેક મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી.




જૂનાગઢના ભવનાથમાં આવેલ ગોરક્ષનાથ આશ્રમ ખાતે સંત સંમેલનનું આયોજન કરાયું હતું. આ વિશાળ સંત સંમેલનમાં સનાતન સરક્ષણ સમિતિની રચના કરવામાં આવી છે. જે ખાસ તો ગુજરાતમા એક સાથે તહેવાર ઉજવાય તે પ્રકારના કામ કરશે. આ ઉપરાંત સનાતન ધર્મને લગતી બાબતો પર નિર્ણયો કરશે. આ સમિતિમાં જગદગુરુ શંકરાચાર્ય દ્વારકાધીશ પીઠને અધ્યક્ષ સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત શેરનાથ બાપુ, મુકતાનંદ બાપુ, ઇન્દ્ર ભારતી બાપુ, કરસન દાસ બાપુ, દિલીપદાસ મહારાજ, પિયુસબાવા,વૈષ્ણવ આચાર્ય સહીત 41 નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.


 



ભવનાથમા આયોજિત આ વિશાળ સંત સંમેલનમાં અન્ય પણ કેટલીક મહત્વની સમિતિઓની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત સત્ય શાસ્ત્ર સમિતિમાં રમેશભાઈ ઓઝા, કંકેશ્વરી માતાજી, ચેતનય શંભુ  મહારાજ,સ્વામી નિજાનંદજી મહારાજ, શરદ ભાઈ વ્યાસ,યદુનાદજી બાવા સહિતના 15 નામનો સમાવેશ  આવ્યો છે. આ ઉપરાંત મીડિયા પ્રવક્તા સમિતિ અને કાયદાકીય સમિતિનું પણ ગઠન કરવામાં આવ્યું હતું. આજના આ સંત સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં જે કાંઈ પણ સનાતન ધર્મ વિરુદ્ધ  લખવામાં આવ્યું છે તેને દૂર કરવા માટેના પ્રયાઓની ચર્ચા પણ કરાઈ હતી.
આજના આ સંત સંમેલનમાં હાજર તમામ સાધુ સંતોએ એક સૂરમાં અવાજ ઉઠાવ્યો હતો કે સનાતન ધર્મની રક્ષા માટે તમામે હવે આગળ આવવું પડશે..


અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ તરીકે દિલીપદાસ મહારાજની પસંદગી


અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી પર પસંદગીનો કળશ ઢોળાયો છે. રાષ્ટ્રીય પ્રમુખ અવિચલદાસજી મહારાજના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ઉપરાંત  બે કાર્યકારી ઉપાઅધ્યક્ષની પણ નિમણુંક કરવામાં આવી છે. મોહનદાસજી મહારાજને અને રાજેન્દ્રનંદગીરી મહારાજને કાર્યકારી ઉપાધ્યક્ષ  બનાવવામાં આવ્યાં છે. ઉપરાંત સંગઠનના સંયોજક તરીકે અરવિંદ બ્રહ્મભટ્ટની વરણી કરવામાં આવી છે. અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના અધ્યક્ષ પદે દીલિપદાસજીનું નામ જાહેર થયા બાદ તેમણે જણાવ્યું હતું કે, ખુબ મોટી જવાબદારી સોંપવામાં આવી છે, તમામ સાધુ-સંતો, મહામંડલેશ્વરોને સાથે મળીને કામ કરીશું. વિવાદોથી દુર રહીને એકસાથે કામ કરીશુ.