Narmada Dam: દેશભરમાં ચોમાસાની સ્થિતિને જોતા મોટાભાગના ડેમોમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. આ બધાની વચ્ચે ગુજરાતના સૌથી મોટા ડેમ નર્મદા ડેમમાં પાણીની આવક વધતા જોખમની સ્થિતિ ઉભી થઇ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે મધ્યપ્રદેશના મોટાભાગના ડેમોમાંથી પાણી છોડવાનું શરૂ કરાયુ છે, જેના કારણે નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થવાની પુરેપુરી સંભાવના છે. હાલમાં નર્મદા ડેમની જળસપાટી 128 મીટર પહોંચી છે. 


ઉપરવાસમાં થઇ રહેલા ભારે વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. હાલ ગુજરાત અને ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સપાટીમાં વધારો નોંધાયો છે. હાલ નર્મદા ડેમ સપાટી 128 મીટર પર પહોંચી છે. મળતી માહિતી પ્રમાણે, હજુપણ જળસપાટી વધી શકે છે. મધ્ય પ્રદેશના ડેમોમાંથી પાણી છોડાતા જળ સપાટીમાં વધારો નોંધાશે. તાજેતરમાં જ મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઈન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાયુ છે, ઓમકારેશ્વરના 18, ઈન્દિરાસાગર ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 1.60 લાખ ક્યૂસેક પાણીની આવક નોંધાઇ છે. હાલમાં નર્મદા ડેમની જળસપાટી 128 મીટરે પહોંચી છે. નોંધનીય છે કે, નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.


આંકડા પ્રમાણે, રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 67 ટકાથી વધુ નોંધાયો છે. કચ્છ ઝોનમાં સૌથી વધુ 86 ટકાથી વધુ, દક્ષિણ ગુજરાતમાં 81 ટકાથી વધુ અને સૌરાષ્ટ્ર ઝોનમાં 77 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 50 ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં 84 ટકાથી વધુ સિઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.


રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 47 જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે 10 જળાશયો 90 ટકાથી 100 ભરાતા હાઈ એલર્ટ પર જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 38 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 21 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 42 ડેમ 25 થી 50 ટકા ભરાયા છે.


આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 70.32 ટકા, સૌરાષ્ટ્રના 141 માં 52.68 ટકા, કચ્છના 20 જળાશયોમાં 52.15 ટકા, મધ્ય ગુજરાતના 17માં 45.26 ટકા તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 28.39 ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.