Junagadh : જૂનાગઢ જિલ્લાના  ભેસાણ તાલુકાનું પસવાડા ગામ આજે ગુજરાત ભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.ગામબા  સરપંચના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં દારૂના દૂષણના કારણે અંદાજે 15  મહિલાઓ વિધવા બની ગઈ છે અને વિધવા બનવાનું કારણ માત્ર એક જ છે દારૂ, કેમકે પસવાડા ગામમાં ખુલ્લેઆમ દારૂના હાટડા ચાલી રહ્યા હતા અને દારૂ બનાવવાની ફેક્ટરીઓ ધમધમી રહી હતી.


નાનાથી લઈને મોટા સુધીના તમામ લોકો દારૂના વ્યસનીઓ થઈ ગયા અને દારૂને કારણે કેટલાયના મોત થઈ રહ્યા છે. પસવાડા ગામના સરપંચે ગામમાં ઢોલ વગડાવી દારૂનો ધંધો બંધ કરવાનું ફરમાન કર્યું છે. આવો કિસ્સો ભાગ્યે જ બનતો હોય છે કે ગામમાં ઢોલ દ્વારા  દારૂબંધીની જાહેરાત કરવી પડે.


આ મુદ્દે સરપંચે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા  કે આ મુદ્દે ભેસાણ પોલીસમાં રજૂઆત કરી તો પોલીસ દ્વારા આ મામલે તેમને યોગ્ય સહકાર આપવામાં ન આવ્યો..ત્યારે હાલ તો જે કામ પોલીસે ખરેખર કરવું જોઈએ તે એક 700ની વસ્તી ધરાવતા પસવાડા ગામના સરપંચે કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રાજધર્મ નિભાવ્યો કહેવાય.


જોડિયા બાળકોને તરછોડીને ગયેલી માતા પરત ફરી
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જોડિયા બાળકોને તરછોડીને ગયેલી માતા પરત ફરતા હોસ્પિટલ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.  બુધવારે મોડી રાત્રે સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતિ થયા બાદ ગુરુવારે સવારે નિષ્ઠુર જનેતા નવજાત જોડિયા બાળક અને બાળકીને ત્યજી ભાગી છૂટતા ચકચાર મચી ગઈ હતી. 


જેમા આજે સવારે 11 કલાકે માતા ખુદ નવીસીવીલ હોસ્પિટલમાં પહોંચી હતી.નવીસીવીલ હોસ્પિટલના RMO કેતન નાયક અને નર્સિંગ પ્રમુખ ઇકબાલ કડીવાળાએ માતાનું કાઉન્સેલિંગ કર્યું હતું અને માતાને પૂછવામાં આવતા તે ઘરે નાહવા માટે ગઈ હોવાનું જણાવ્યું હતું.


છેડતીનો ભોગ બનનાર વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા 
બનાસકાંઠા જિલ્લા,આ ભાભરની રાધે ઇન્ટરનેશનલ સ્કૂલમાં એક વર્ષ અગાઉ શિક્ષક અને 4 છાત્રો દ્વારા છેડતીનો ભોગ બનેલ વિધાર્થિનીએ આત્મહત્યા કરી લીધી છે. વિધાર્થિનીએ 10 દિવસ પહેલા સુસાઇડ નોટ લખી ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સુસાઇડ નોટમાં વિધાર્થિનીએ એક વર્ષ વીતી જવા છતાં પણ પોલીસે આરોપીઓ સામે કોઇ કાર્યવાહી ન કરતાં તેને આપઘાત કરવા મજબુર થવું પડ્યું તેનો ઉલ્લેખ કર્યો હતો.