અમરેલી: અમરેલી જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો હતો. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ખાંભા અને લીલીયા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના ગધકડા ગામમાં નદીની માફક રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા. બાઢડા, જાબાળ, ગધકડા, ઘનશ્યામનગર, આદસંગ, આંબરડી, ગોરકડા, સેંજળ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા લીલીયા શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ખાંભા ગીરના ભાવરડી, સરાકડીયા, પસપસ્યા, હનુમાનપર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. દેવળીયા,મોટા ગોખરવાળા, નાના ગોખરવાળા ,આંબા કણકોટ ગોટાવદર, રાજસ્થળી સોનારીયા સહિતના વિસ્તારમાં મન મુકીને મેઘરાજા વસસ્યા હતા.
વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ અને રાજુલા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જાફરાબાદના લોર ફાચરિયા, પીંછડી, હેમાળ, માણસા, એભલવડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. રાજુલા તાલુકાના ડોળીયા, બાલાપર, મસૂનદડા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક સપ્તાહના વિરામ બાદ ફરી મન મૂકીને મેઘરાજા વરસશે. આવતીકાલે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
25 ઓગસ્ટના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જ્યારે 26 ઓગસ્ટે ભાવનગર, સુરત અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 73 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હાલ ગુજરાતમાં ગરમી પણ પડી રહી છે. હવામાન વિભાગના મતે, પવનની દિશા બદલાતા ગરમી વધી છે.
આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી અનુસાર, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એક સપ્તાહ બાદ રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે. સાત દિવસ બાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
26 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગરમીમાં વધારો થવાનું કારણ પવનની દિશા છે. હાલ જે પવન ફૂંકાઈ રહ્યા છે તે ઉત્તર પશ્ચિમી પવનો છે જેના કારણે ગરમી વધી છે.
રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ
આજે વહેલી સવારથી જ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીમાં વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના અનેક તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આવતીકાલે પણ અહીં ભારે વરસાદની આગાહી કરાઈ છે.