પંચમહાલ : ગોધરા શહેરમાંથી બનાવટી સોફ્ટવેરને આધારે રેશનકાર્ડ ધારકોનું અનાજ ચાઉં કરી જવાનું કૌભાંડ બહાર આવ્યું છે.  ગોધરા શહેરના તીરગરવાસમાં આવેલી ધી નવયુગ સહકારી મંડળી નામની સસ્તા અનાજની દુકાનના સંચાલક તેમજ સ્ટાફ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યુ છે.  NFSA યોજના અંતર્ગત વિતરણ કરવામાં આવતા અનાજના જથ્થાની માહિતી રાખતા સરકારી સોફ્ટવેર જેવું જ અન્ય સોફ્ટવેર તૈયાર  કરાયું છે. 


બનાવટી સોફ્ટવેરના રેશનકાર્ડ ધારકોના બાયોમેટ્રિક અને અન્ય વિગતો સંગ્રહ કરાઈ હતી. 29 રેશનકાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ મોબાઈલ તેમજ કોમ્પ્યુટર સોફ્ટવેર સેવ રાખી 3 વર્ષથી અનાજ ઉપાડી લેવાયું છે.  તપાસમાં 4 મૃત રેશનકાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ સેવ રાખી તેમનું પણ અનાજ ઉપાડ્યું હોવાનું સામે આવ્યું છે.  જિલ્લા પુરવઠા અધિકારીની તપાસમાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.  કુલ રૂ 42898 નો અનાજનો જથ્થો સગેવગે કરાયો હોવાનું તપાસમાં બહાર  આવ્યું છે.  સમગ્ર કૌભાંડને લઇને સસ્તા અનાજની દુકાનના સંચાલક યુનુસ ભટુક સહિત ચાર ઈસમો સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. 


ભરુચ જિલ્લામાં 450થી વધુ સસ્તા અનાજની દુકાનોમાં અનાજ ન પહોંચતા ગરીબો મુશ્કેલીમાં


ભરૂચ જિલ્લાની 450થી વધુ સસ્તા અનાજની દુકાન પર અનાજનો જથ્થો ન પહોંચતા ગરીબ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સમગ્ર દેશમાં કરોડો ગરીબોને અનાજ મળતું હોવાની જાહેરાતના બેનર લાગ્યા છે પરંતુ ભરૂચ જિલ્લામાં જમીની હકીકત કંઈક અલગ જ છે.


ફેબ્રુઆરીના 10 દિવસથી વધુનો સમય થયો હોવા છતાં જિલ્લાની 450થી વધુ દુકાનો પર હજુ સુધી ફેબ્રુઆરી માસનો અનાજનો જથ્થો પહોંચ્યો જ નથી.  જેના કારણે હજારો પરિવારો ચિંતામાં મુકાયા છે. 


અંતરિયાળ ગામડાઓમાં તો એવી સ્થિતિ ઊભી થઈ છે કે લોકો અનાજ મેળવવા માટે ગામની સસ્તા અનાજની દુકાને દરરોજ ધક્કા ખાઈ રહ્યા છે.  પરંતુ તેમને વિલા મોડે અને નિરાશા સાથે ઘરે પરત ફરવું પડે છે.  આ અંગે ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે જૂના કોન્ટ્રાક્ટર સામે પોલીસ કેસ થતા તેનો કોન્ટ્રાકટ રદ કરવામાં આવ્યો છે અને નવા કોન્ટ્રાક્ટર દ્વારા ગાડી મૂકવામાં આવે એટલે આવનારા એકથી બે દિવસમાં સમગ્ર જિલ્લામાં સસ્તા અનાજનો પુરવઠો પહોંચતો થઈ જશે.  


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial