Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં ભાજપ, આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે ઉમેદવારો જાહેર કર્યા સિવાય તમામ 26 લોકસભા બેઠકોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયો ખોલી દીધા છે. થોડા દિવસો પહેલા અરવિંદ કેજરીવાલ ગુજરાત મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ભરૂચ લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા હતા. જે બાદ આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યમાં વધુ એક લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. પાર્ટી દ્વારા ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરાયા છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ભાવનગરથી લોકસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. દિલ્હીમાં આપના મહામંત્રી અને રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકે જાહેરાત કરી હતી.


ઉમેશ મકવાણાએ શું આપ્યું નિવેદન


જે બાદ વિધાનસભામાં આપના નેતા ઉમેશ મકવાણાએ લોકસભા ચૂંટણી અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, અમારા કેન્દ્રીય નેતૃત્વએ બે ઉમેદવાર જાહેર કર્યા છે. ગુજરાતમાં ક્રમશઃ 8 ઉમેદવાર આમ આદમી પાર્ટી જાહેર કરશે. ભરૂચ બેઠક પર ચૈતર વસાવા અને ભાવનગર બેઠક પર મારું નામ જાહેર થયું છે. અમે ગઠબંધન ધર્મનું પાલન કરીશું. ઈસુદાન ગઢવી પણ લોકસભાની ચૂંટણી લડી શકે છે.


ઈસુદાન ગઢવી જામખંભાળિયા તાલુકાના પિપળીયા ગામના વતની છે. તેમના પિતા ખેરાજભાઇ ગઢવી એક સામાન્ય ખેડૂત હતા. ઈસુદાન ગઢવીએ 2005માં જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ તેઓ દૂરદર્શનનાં 'યોજના' નામના કાર્યક્રમમાં જોડાયા હતા. 2005માં હૈદરાબાદ ખાતે તેઓ ETV ગુજરાતીમાં જોડાયા હતા. 2007થી 2011 દરમિયાન તેઓએ પોરબંદરમાં ETV ગુજરાતીના પત્રકાર તરીકે કામ કર્યું હતું. 2011થી 2015 દરમ્યાન ઈસુદાન ગઢવીએ ન્યુઝ ચેનલમાં પોલિટિકલ અને ગવર્નન્સ રીલેટેડ સ્ટેટ બ્યુરો ચીફ તરીકે ગાંધીનગરમાં જોડાયા હતા. બાદમાં 2015માં VTVમાં તેઓ ગુજરાતી મીડિયાનાં સૌથી યુવા ચેનલ હેડ તરીકે જોડાયા હતા.


ઈસુદાન ગઢવી નેતા બનતા પહેલા એક પત્રકાર હતા. તેઓ 16 વર્ષ સુધી પત્રકારત્વ સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતના લોકપ્રિય એન્કર તેમજ ખેડૂત વર્ગમાં પત્રકાર તરીકે ભારે ચાહના ધરાવતા હતા. એમાંય તેમનો રાત્રિના 8થી 9 વાગ્યાનો 'મહામંથન' શો લોકોમાં ભારે લોકપ્રિય હતો. ઈસુદાન ગઢવીએ પોતાના પ્રાઇમ ટાઇમ કાર્યક્રમ 'મહામંથન'થી ગુજરાતની જનતાના દિલ જીતી લીધા હતા. ઈસુદાન ગઢવીએ પોતાની સ્પષ્ટ છબીના કારણે ગુજરાતનાં દરેકે દરેક ગામડા સુધી પોતાની આગવી ઓળખ બનાવી હતી. જોકે બાદમાં તેઓએ ચેનલ એડિટર પદેથી રાજીનામું આપી AAPનું ઝાડુ પકડ્યું હતું. 1 જુલાઈ 2021ના ​રોજ તેઓએ ન્યુઝ ચેનલના એડિટર પદેથી રાજીનામું આપ્યા બાદ 14 જુલાઈ 2021ના રોજ તેઓ AAPમાં જોડાયા હતા. ત્યારે ખુદ અરવિંદ કેજરીવાલે ટ્વિટર દ્વારા તેઓને પાર્ટીમાં આવકાર્યા હતા. આ સાથે કેજરીવાલે કહ્યું હતું કે, 'ઈસુદાન ગુજરાતના કેજરીવાલ છે.'