Valsad News: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે, આજે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં દ્રૌપદી મુર્મૂ મુલાકાત આવી રહ્યાં છે. અહીં ધરમપુર ખાતેના રાજચંદ્ર આશ્રમના એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે, આ દરમિયાન રાજ સભાગૃહનું ઉદઘાટન કરશે. 


દ્રૌપદી મુર્મૂ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે છે, આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા રાજચંદ્ર આશ્રમમાં પહોંચશે, અહીં એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે. આ દરમિયાન શ્રીમદ્ રાજચંદ્ર મિશનના રાજ સભાગૃહનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ઉદ્ઘાટન થશે. રાજચંદ્ર મિશન આશ્રમના ગુરુજી રાકેશજી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાજ્યના 8 જિલ્લાના આદીમ જૂથના લાભાર્થીઓ સાથે રાષ્ટ્રપતિ સંવાદ પણ કરશે. ખાસ વાત છે કે, આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ શ્રીમદ્ રાજચંદ્રની 34 ફૂટ ઊંચી પ્રતિમાના દર્શન કરશે, અને સાથે સાથે જિન મંદિરમાં પણ જશે. હાલના દિવસોમાં રાજચંદ્ર આશ્રમમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.


અમદાવાદ જિલ્લાના ખેડૂત પરિવારની દિકરીને  સમાજ સેવા બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ 


અમદાવાદની એચ.કે.આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીની સોનલ ચમનભાઈ કોળી પટેલને રાષ્ટ્રીય સેવા યોજના (NSS)માં સમાજ સેવા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ નેશનલ લેવલનો એવોર્ડ મળ્યો છે. 29 સપ્ટેમ્બરના રોજ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સાણંદ તાલુકાના ગોકળપુરા ગામની દિકરીને  એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.  ગુજરાતની દિકરીને એવોર્ડ મળતા સમસ્ત કોળી પટેલ સમાજ તેમજ અમદાવાદ જિલ્લા અને સાણંદ તાલુકાના ગોકળપુરા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. 


કોરોના મહામારીમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી હતી


સોનલ ચમનભાઈ કોળી પટેલે કોલેજના સમય દરમિયાન  રાષ્ટ્રીય સેવા યોજના ( NSS)ની અલગ-અલગ સેવાકીય પ્રવૃતિઓમાં સક્રીયરીતે  ભાગ લઇ ખૂબ જ સફળ કામગારી કરી છે. તેમની સેવાકીય પ્રવૃતિઓમાં દિવ્યાંગ બાળકોને મદદ, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી જૂના કપડાઓ એકઠા કરી અંદાજે 7 હજારથી વધારે જરૂરિયાત મંદ પરિવારોને તેનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય સોનલ પટેલ દ્વારા વડોદરામાં પુરગ્રસ્ત સમયે 275 ખાદ્યકીટનું વિતરણ કર્યું હતું. કોરોના મહામારીમાં લોકડાઉન દરમિયાન અનેક સેવાકીય પ્રવૃતિ સોનલ પટેલ દ્વારા કરવામાં આવી હતી. 


ગુજરાતમાંથી માત્ર બે વિદ્યાર્થીઓની  પસંદગી કરવામાં આવી હતી


આ એવોર્ડ માટે ગુજરાતમાંથી માત્ર બે વિદ્યાર્થીઓની  પસંદગી કરવામાં આવી હતી. જેમાં સાણંદના ગોકળપુરાની સોનલબેન કોળી પટેલનો સમાવેશ થયો હતો. સોનલબેનને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગોકળપુરા ગામની ખેડૂત   પરિવારની દિકરીને એવોર્ડ મળતા ગામ સહિત સમગ્ર કોલેજમાં ખુશીનો માહોલ છવાયો હતો.  સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા પંચાયતના ચેરમેન રમીલાબેન પટેલ સહિત ગામના અગ્રણીઓએ સોનલબેન કોળી પટેલના પરિવારને અભિનંદન પાઠવાયા હતા. 


સોનલબેનને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત થતાં ગામમાં ખુશીનો માહોલ


ગામના અગ્રણી દયારામભાઈ કોળી પટેલે કહ્યું કે 24 વર્ષીય સોનલબેન કોળી પટેલ કોલેજના સમયથી એન.એસ.એસ.માં જોડાઈને સમાજ સેવાના કાર્યો શરૂ કર્યા છે અને હાલ માસ્ટર્સનો અભ્યાસ કરી રહ્યા છે. તેમના પરિવારમાં માતા પિતા અને ચાર બહેનો અને એક ભાઈ છે. પરિવાર ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અભ્યાસ કરવા ભારે જહેમત ઉઠાવી છે. સોનલબેનને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત થતાં ગામમાં ખુશીનો માહોલ છવાયો છે.