અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે વધુ એક મોત થતાં મોતનો આંકડો બે પર પહોંચ્યો છે. કોરેનાવાયરસના ચેપના કારણે 85 વર્ષના વૃધ્ધાનું અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. મૃતક અમદાવાદનાં જ   છે અને સાઉદી અરેબિયાના મક્કા-મદીનામાં હજ પઢવા ગયાં ત્યારે ચેપ લાગ્યો હતો. આ વૃધ્ધા મક્કા-મદિનાથી 14માર્ચે ભારત પરત ફર્યા હતા. આ વૃધ્ધા 8 દિવસ સુધી ઘરે રહ્યા બાદ તકલીફો વધતાં 22 માર્ચે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. તેમને કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હોવાની ખબર એ વખતે પડી હતી. વૃધ્ધા મોટી ઉંમરના કારણે ઓછી રોગપ્રતિકારશક્તિ ધરાવતાં હોવાથી ચેપ ઝડપથી ફેલાયો હતો.  મૃતક વૃધ્ધા અન્ય શારીરિક તકલીફોથી પણ પીડિત હતાં. સુરત બાદ ગુજરાતમાં કોરોનાને કારણે આ બીજું મોત થયું છે. ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. ગુરૂવારે કોરોનાવાયરસના વધુ 4 પોઝિટિવ કેસ બહાર આવતાં રાજ્યમાં 7 દિવસમાં કુલ 40 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ પૈકી એક વૃધ્ધનું મોત સુરતમાં થયુ હતું જ્યારે બીજુ મોત અમદાવાદમાં થયું છે.