કોરોના વાયરસને પગલે ગુજરાતનાં ઉચ્ચ અધિકારીઓએ બેઠક બાદ કલમ 144 લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના વાયરસનો સંક્રમણ ફેલાય નહીં તે માટે રાજ્યનાં લોકોને ભીડ થાય તેવી જગ્યાએ ન જવાની સલાહ આપવામાં આવી છે. ત્યારે કલમ 144 લાગુ કરવાના કારણે લોકો ભીડમાં એકઠા થઈ શકશે નહીં.
કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે ગુજરાતનાં જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, કચ્છ, રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, મહેસાણા અને દ્વારકામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ શહેરોમાં લોકો પણ સરકારના નિર્ણયને આવકારી રહ્યાં છે અને લોકોને અપીલ પણ કરી રહ્યાં છે.
કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે જે સ્થળો પર લોકો એકઠા થતાં હોય તે સ્થળોને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા. કોરોના વાયરસનો હાહાકાર જોતાં શહેરોનાં દરેક ધાર્મિક સ્થાન, હોટેલ અને સામાજિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સાથે પાનના ગલ્લા તથા લારી સહીતની જગ્યાઓ બંધ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. આ સાથે જ જો આ જીલ્લાઓમાં કોરોનાનાં શંકાસ્પદ દર્દી નોંધાય તો હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
અમદાવાદમાં પણ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. તેમજ પાનના ગલ્લા બંધ રાખવા આદેશ આપી દેવામાં આવ્યો છે. તેમજ રવિવારે અમદાવાદમાં તમામ ગાર્ડન પણ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો. વડોદરામાં તમામ મોલ બંધ રાખવા આદેશ અપાયો છે. જાહેર સ્થળે લોકોને એકઠાં થવા પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે.
સુરતમાં જાહેર સ્થળે એકઠાં થવા પર પ્રતિબંધ લગાવાયો છે. આ ઉપરાંત ટેક્સટાઈલ માર્કેટ તેમજ હીરા બજારમાં પણ બંધ કરી દેવામાં આવ્યા છે. સાવચેતીના ભાગ રૂપે કેટલીક ફ્લાઈટ પણ રદ કરી દેવામાં આવી છે. તો ડૂમ્મસ અને સાવલી બીચ પર જવા માટે પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે.
રાજકોટમાં પણ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. 4 કરતાં વધુ લોકોને એકઠાં થવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. રાજકોટના જંગલેશ્વરમાં ખાસ તકેદારી રખાઈ છે.કોરોનાનો પોઝિટિવ કેસ જંગલેશ્વર વિસ્તારમા રહેતાં વ્યક્તિમાં જ નોંધાયો હતો.
જૂનાગઢમાં સામાજિક સંસ્થા, ધાર્મિક સ્થાનો, પાનના ગલ્લા, લારી અને હોટલ બંધ રાખવા આદેશ કરાયો છે. હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડની વ્યવસ્થા ઉભી કરાઈ છે.ગીર સોમનાથમાં પણ કલમ 144 લાગૂ કરી દેવાઈ છે..સાથે જ ધાર્મિક સ્થળે લોકોના એકઠાં થવા પર પ્રતિબંધ લગાવાયા છે..સોમનાથ મંદિર પણ સહેલાણીઓ માટે બંધ કરાયું છે.આ ઉપરાંત કચ્છ, દ્વારકા અને મહેસાણામાં પણ કલમ 144 લાગુ કરી દેવાઈ છે.જાહેર સ્થળે એકઠાં ન થવા તંત્રએ લોકોને અપીલ કરી છે.