મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી જિલ્લાના વીરપુર તાલુકામાં અલગ અલગ વિસ્તારોમાં સાત કાચા મકાનો ધરાશાયી થયા હતા. જોકે મકાન ધરાશાયી થવાની ઘટનામાં કોઇ જાનહાનિ થયાના સમાચાર નથી.
મળતી જાણકારી અનુસાર, વીરપુર તાલુકાના લીબરવા બારોડા, ચોરસા, પાટા, ધોરાવાળા અને કસલાવટી ગામમાં કાચા મકાનો ધરાશાયી થયા હતા. કેટલી જગ્યાએ મકાનની દીવાલો ધરાશાયી થઇ હતી તો કેટલીક જગ્યાએ મકાનનો વચ્ચેનો ભાગ પડી ગયો હતો. જોકે એક મકાન પડતા એક બકરીનું મોત થયાના અહેવાલ છે.
બાયડ પંથકમાં જળબંબાકારથી ખેતરો ફેરવાયા બેટમાં
અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદથી ખેતરો જળબંબાકાર થયા છે. મોડાસા -શામળાજી હાઈવે પરના ખેતરોમાં પાણી ભરાયા છે. જ્યાં જુઓ ત્યાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. મગફળી,સોયાબીનનો પાક પાણીમાં ગરકાવ થયો છે. ધોધમાર વરસાદના કારણે ખેડૂતોને મોટાપાયે નુકશાનની ભીતિ છે.
અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. બાયડ પંથકમાં ગઈ કાલે ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો.ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. ખેતરમાં પાણી ભરાયા હોય તેનો ડ્રોન વિડીયો સામે આવ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું છે. ખેતરો જળબંબાકાર થયા છે.
અરવલ્લી જિલ્લાના છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા સામે આવ્યા છે. સૌથી વધુ મોડાસામાં સાડા પાંચ ઇંચ, ધનસુરામાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. બાયડ અને માલપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. મેઘરજમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે.
સાબરકાંઠાના ઇડરમાં જળબંબાકાર
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ એક ઇંચથી વધુથી વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના ઇડરમાં સૌથી વધુ ૫.૮૪ ઇંચ વરસાદ તથા રાજ્યના ૬ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના અન્ય ૧૪૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૧ જુલાઇ ૨૦૨૩ના રોજ સવારે ૬ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૨૨.૦૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૬૪.૮૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૦.૬૦ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૩૪.૫૨ ટકા, પૂર્વ ગુજરાતમાં ૩૩.૯૨ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
Join Our Official Telegram Channel: