ગાંધીનગર: હાલમાં ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે દારૂની છૂટ આપવામાં આવતા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ કરી સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. શંકરસિંહ વાઘેલાએ ગિફ્ટ સિટીમાં દારુની છૂટ માટે રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યું, પહેલ કરી છે તો આખા રાજ્યમાં અમલવારી કરાવો. લઠ્ઠા જેવો દારુ પીવો તેના કરતા સારો દારુ પીવો સારો. શંકરસિંહ વાઘેલાએ મોટો દાવો કર્યો છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પણ સરકાર દારુની છૂટ આપશે.
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું, સરકારે આટલા વર્ષે જે થોડી હિંમત કરી તેને અભિનંદન આપુ છું. હાલ જે દારૂબંધીની નીતિ છે તે દંભી નીતિ છે. ગુજરાતની ચારેય બાજુ દારુ મળે અને ગુજરાતમાં ટાઇટ કરો તે ખોટું. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં છૂટ આપે. મારી માગણી છે કે મહાત્મા મંદિરમાં પણ છૂટ આપે. ધોલેરા, કચ્છ તમામ જગ્યાએ છૂટ આપે. આ નીતિના કારણે ગુજરાત ડ્રગ્સનું હબ બની ગયુ છે.
આદિવાસી વિસ્તારમાં પણ છૂટ આપો
દારૂના રવાડે ચડેલા યુવાનને પાછો વાળી શકાય, ડ્રગ્સને રવાડે ચડે તે બરબાદ થાય છે. ફક્ત રૂપિયાવાળા લોકો માટે છુટ આપે તેવું ન હોવું જોઈએ. આદિવાસી વિસ્તારમાં પણ છૂટ આપો. સારા ગાંધીયન લોકોને બોલાવી ચર્ચા કરી નવી નીતિ બનાવવી જોઈએ. આવક માટે દારૂબંધી હટાવવાના મતમાં હું નથી. પોરબંદર, વડનગર અને કરમસદમાં પણ મંજૂરી આપો. ભૂતકાળમાં કોમ્યુનાલ રાઇટ્સ થયા છે અને લઠ્ઠાકાંડ પણ થયા છે.
માત્ર રુપિયાવાળાને દારુની છૂટ ન આપો
શંકરસિંહ વાઘેલાએ કહ્યું માત્ર રુપિયાવાળાને દારુની છૂટ ન આપો. ચોરી છૂપીથી દારુ પીવો એની કરતા છૂટથી સારો આપો. દારુની છૂટથી વેપાર વધશે એ નીતિ ખોટી છે. ગુજરાતમાં દારુ મળતો નથી એટલે ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ વધ્યો છે.
જેને પીવો છે તેને સારો દારુ મળે તેવી વ્યવસ્થા કરો. ગુજરાતથી બહાર લગ્ન કરવા જાય છે તેની પાછળ દારૂબંધી પણ એક કારણ છે. ગુજરાતની જનતાનું ભલું ઈચ્છતા હોવ તો દારૂબંધી હટાવી લેવી જોઈએ.
ગાંધીજીના નામે ડબલ સ્ટાન્ડર્ડના હોવા જોઈએ. આ કોઈ રાજકીય મુદ્દો નથી. દારૂની છૂટથી ઉદ્યોગો વધવાના એવું નથી, દારૂબંધી છે તો પણ ગુજરાતમાં રોકાણ આવ્યું છે. ઘણા લોકો બહેન - દીકરીઓના નામે ચર્ચા કરે છે. દિલ્હી, મુંબઈ અને કલકત્તા જેવા શહેરોમાં પણ આપની બહેન - દીકરી છે જ. દારૂનો કુટીર ઉદ્યોગ આખા ગુજરાતમાં ચાલુ કરવો જોઈએ. અત્યારે ચાલે જ છે પણ નદી કિનારે ચાલે છે.