ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે કે, 60 વર્ષ કે તેથી વધુ વયના અને ત્રણ ટર્મ સુધી જીતેલા ઉમેદવારોએ નિરાશ થવાની જરૂર નથી કેમ કે તેમને વિધાનસભા અને લોકસભા માટે ટિકિટ આપવામાં આવશે.
તાપી જિલ્લામાં ઉચ્છલ ખાતે ભાજપના વિજય વિશ્વાસ સંમેલન અને પેજ સમિતિ કાર્ડ વિતરણ સમારોહમાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે જણાવ્યું કે, ગુજરાત ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને ત્રણ ટર્મ પૂર્ણ કરેલા કાર્યકરો ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી શકશે નહીં એવો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ યુવા પ્રતિભાઓને પોતાની તાકાત બતાવવાની તક મળે તે હતો પણ આ નિર્ણયને કારણે જેમને ટિકીટ નથી મળી તેમણે નિરાશ થવાની જરૂર નથી. આ નેતાઓ વિધાનસભા અને લોકસભા માટે ઉમેદવારી નોંધાવી શકશે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો નિયમ લાગુ નહીં પડે તેવી સ્પષ્ટતા તેમણે કરી હતી.. રવિવારે યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો તમામ સીટો પર વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અને આવનાર તાલુકા, જિલ્લા અને નગર પાલિકાની ચૂંટણીમાં પણ ભવ્ય વિજય મેળવવા કાર્યકરોને હાકલ કરી હતી.