ગાંધીનગર:  હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યા અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે.  હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર સજ્જ થયું છે. એનડીઆરફ અને એસડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ રાજ્યમાં હજી પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે દરિયામાં કરંન્ટ જોવા મળી રહ્યો છે.


સૌરાષ્ટ્રના 4 બંદરો પર લાગ્યું 3 નંબરનું સિગ્નલ


ઓખા, જાફરાબાદ, વેરાવળ, નવલખીમાં 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જાફરાબાદ શહેરના દરિયા કાંઠે લાઈટ હાઉસ વિસ્તારમાં તંત્ર દ્વારા સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જેને લઈને જાફરાબાદ પીપાવાવ દરિયાઈ કોસ્ટલ વિસ્તારમાં સાવચેત રહેવા સૂચના પણ આપવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વરસાદ અને પવનની ગતિ વધી શકે છે.


ભારે વરસાદની આગાહી


હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી  વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.   હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે. 


દરિયામાં જોવા મળ્યો કરંટ


ભારે વરસાદની આગાહીના પગલે દરિયામાં ભારે કરન્ટ જોવા મળી રહ્યો છે. દરિયામાં મોજા ખૂબ જ ઉંચા ઉછળી રહ્યા છે.  આ સાથે જ માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. લોકો દરિયા કિનારાથી દૂર રહે તેના માટે પ્રશાસને દમણ જેટી પર બેરીકેટર અને ડ્રમ મૂકી અવર જવર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. દરિયો તોફાની થવાની શક્યતાને લઇ દમણ પ્રશાસન દ્વારા ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.