પાણીમાં ડૂબવાથી, ભારે વરસાદને કારણે મકાન પડી જવાથી, ભારે પવન-વરસાદને કારણે ઝાડ પડવાથી મૃત્યુ નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. મંગળવારે વરસાદથી સર્જાયેલી અલગ અલગ ઘટનામાં મોરબીમાં 3, પાટણમાં 3, ડાંગ, જામનગર, જૂનાગઢ, તાપી, કચ્છ અને અમરેલીમાં 1-1નું મૃત્યુ થયું છે. જ્યારે 1400 જેટલા લોકોનું સ્થળાંતર કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
રાજયમાં વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના મતે આજથી રાજયમાં વરસાદનું જોર ઘટશે. રાજયમાં 28 તારીખ સુધી ભારે વરસાદની શક્યતા નહીંવત છે. જો કે, બંગાળની ખાડીમાં સર્જાયેલા વેલમાર્ક લો પ્રેશરના કારણે 29 તારીખે રાજયમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. રાજયમાં અત્યાર સુધીમાં સિઝનનો 107 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.