બનાસકાઠાઃ બોલ માડી અંબે જય જય અંબેના નાદથી અંબાજી જતા રસ્તાઓ પર માઇ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. તો આ પદયાત્રીઓની સેવા કરવા માટે વિસામાઓ પણ મોટી સંખ્યામાં ખુલ્યા છે. પદયાત્રીઓની સેવા કાર્યમાં જોડાતા વિસામા પર સદભાવનાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.


અંબાજી જતા રસ્તાઓ પદયાત્રીઓથી ઉભરાયા છે. ઠેર ઠેરમાં અંબાના પદયાત્રીઓની સેવા માટે વિસામાઓ અને કેમ્પ ખૂલ્યા છે. ત્યારે માં અંબાના ભક્તોની સેવા માટે અનેક લોકો જોડાયા છે. કોઇ હોંશભેર જમાડી રહ્યા છે. તો પદયાત્રીઓનો થાક ઓછો થાય તે માટે છાશ કે પાણી પીવડાવીને પદયાત્રીઓની સેવા કરી રહ્યા છે.

સાબરકાંઠાના હિંમતનગરમાં સામાજિક એકતાનો સંદેશ જોવા મળી રહ્યો છે. હિંમતનગરમાં મુસ્લિમ સમુદાયના લોકો પણ સેવામાં જોડાયા છે. ડીએસપી કચેરી ખાતે ખુલેલા વિશાળ વિસામાં ખાતે મુસ્લિમ બીરાદરોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને અંબાજીના પદયાત્રીઓની સેવા કરી રહ્યા છે.

આ તરફ મુસ્લિમ બિરાદરોએ હિંમતનગરમાં આવેલા ન્યાય મંદીર વિસ્તારમાં આઇસ્ક્રીમ વિતરણ કરીને ગરમીમાં રાહત આપવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.

અંબાજીના મેળાએ સદભાવનાનો પણ સંદેશ આપ્યો છે. હિંદુ મુસ્લિમ એકતાની વિશેષતા હંમેશા રહી છે. ત્યારે આ પ્રસંગને જોતા લાગી રહ્યુ છે કે, હિંદુ મુસ્લિમ બિરાદરોના લોકો આવા પ્રસંગોમાં ખભે ખભા મિલાવીને એકબીજાની મદદ માટે હંમેશા તૈયાર હોય છે.