દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર તોફાની બેટિંગ કરતાં વલસાડ અને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના પારડીમાં સૌથી વધુ 8.19 ઈંચ વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે વાપી, વલસાડ, ધરમપુર અને નાના પોંઢામાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ઔરંગા નદી બે કાંઠે વહેતી થઈ છે, જ્યારે નવસારી જિલ્લામાં પણ ખેરગામ, જલાલપોર અને ચીખલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.
વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ
છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘરાજાએ મન મુકીને વરસાદ વરસાવ્યો છે. જિલ્લામાં પારડીમાં સૌથી વધુ 8.19 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નાના પોંઢામાં 7.17 ઈંચ, વાપીમાં 7.17 ઈંચ, વલસાડમાં 7.05 ઈંચ, ધરમપુરમાં 6.50 ઈંચ અને કપરાડામાં 4.61 ઈંચ વરસાદ વરસ્યો છે.
વાપીમાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર
વાપીમાં મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદને કારણે ચલા, મુક્તાનંદ માર્ગ, દમણ રોડ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદ અને વીજળીના કડાકા-ભડાકા વચ્ચે વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલીક રહેણાંક સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડની ઔરંગા નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીના જળસ્તરમાં વધારો થતાં તંત્રે લોકોને નદીના પટમાં ન જવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.
વલસાડ જિલ્લામાં અત્યાર સુધી સીઝનનો કુલ 44.30 ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં પારડીમાં સૌથી વધુ 53 ઈંચ, વલસાડમાં 52.56 ઈંચ, ઉમરગામમાં 52.17 ઈંચ, વાપીમાં 46.24 ઈંચ, કપરાડામાં 40.59 ઈંચ, નાના પોંઢામાં 37.44 ઈંચ અને ધરમપુરમાં 32.69 ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં 165 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 165 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પારડીમાં સૌથી વધુ 8.19 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ખેરગામમાં 7.95 ઈંચ, નાના પોંઢામાં 7.17 ઈંચ, વાપીમાં 7.17 ઈંચ, વલસાડમાં 7.05 ઈંચ, ધરમપુરમાં 6.50 ઈંચ, જલાલપોરમાં 6.10 ઈંચ, ચીખલીમાં 5.75 ઈંચ, નવસારીમાં 5.20 ઈંચ અને ગણદેવીમાં 5.04 ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડામાં 4.61 ઈંચ, પલસાણામાં 4.17 ઈંચ, વઘઈમાં 3.43 ઈંચ, અંબિકા વિસ્તારમાં 3.07 ઈંચ, મહુવામાં 2.87 ઈંચ, ઉમરગામમાં 2.87 ઈંચ, ડોલવણ અને ડાંગમાં 2.83 ઈંચ, બારડોલીમાં 2.40 ઈંચ તેમજ વાંસદા અને વાલોડમાં 2.32 ઈંચ વરસાદ નોંધાયો છે.
નવસારી જિલ્લામાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ
નવસારી જિલ્લામાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ખેરગામમાં આશરે 8 ઈંચ, જલાલપોરમાં 6.50 ઈંચ, ચીખલીમાં 6.10 ઈંચ, નવસારીમાં 5 ઈંચ અને ગણદેવીમાં 5.04 ઈંચ વરસાદ નોંધાયો છે. આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં નવસારી શહેરમાં 1 ઈંચ વરસાદ પડતાં કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જિલ્લાના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત છે. નવસારી જિલ્લામાં અત્યાર સુધી સીઝનનો કુલ 56.07 ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં નવસારી તાલુકામાં સૌથી વધુ 66.29 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ચીખલીમાં 64.55 ઈંચ, જલાલપોરમાં 63.18 ઈંચ, ગણદેવીમાં 55.01 ઈંચ, ખેરગામમાં 52.64 ઈંચ અને વાંસદામાં 36.57 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે જિલ્લામાં નીચાણવાળા વિસ્તારો પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે.
