ગઈકાલે રાત્રે ગુજરાતના આકાશમાં એક જોરદાર મોટો અગનગોળો 7.45 વાગ્યાની આસપાસ જોવા મળ્યો હતો. આ અગનગોળો ધીમે-ધીમે નીચે આવતા બે ભાગમાં વહેંચાઇ ગયો હતો અને આકાશમાં તેજ પ્રકાશિત લિસોટા દેખાયા હતા. આ અગનગોળો જોઈને અનેક તર્ક-વિતર્ક લોકો કરી રહ્યા છે. ખુબજ તેજગતિએ આ અગનગોળા જેવો પદાર્થ પૃથ્વી તરફ નીચે આવતો જોઈ લોકોમાં ડર સાથે કુતૂહલ સર્જાયું હતું. પ્રથમ નજરે આકાશમાંથી ઉલ્કાપિંડ કે તારો ખર્યો હોવાનું અનુમાન લોકો લગાવી રહ્યા હતા.


મહારાષ્ટ્રમાં પણ દેખાયો અગનગોળોઃ
મહારાષ્ટ્રના નાગપુર, અમરાવતી અને અન્ય ભાગોમાં પણ શનિવારે રાત્રે એક રહસ્યમય અગનગોળો જોવા મળ્યો હતો. આ ઘટનાને લીધે લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. આ અગનગોળા સામાન્ય રીતે 'શૂટિંગ સ્ટાર' તરીકે ઓળખાય છે. તે પ્રતિ સેકન્ડ 30થી 60 કિમીની ઝડપ ધરાવે છે. તેને લીધે સર્જાતા ઘર્ષણને લીધે આ પદાર્થ સળગી ઉઠે છે. 






ક્યાંથી આવ્યો હતો અગનગોળો?
ગુજરાતના આકાશમાં જોવા મળેલા આ અગનગોળાએ બીજું કંઈ નહી પણ અવકાશમાં રહેલો કચરો કે કૃત્રિમ ઉપગ્રહો હોઈ શકે છે. જે ખરાબ થઈ જતાં અવકાશમાંથી પૃથ્વી તરફ ગતિ કરે છે. અને પૃથ્વીના વાતાવરણમાં આવતાં જ સળગી ઉઠે છે. આકાશમાંથી અવારનવાર ઉલ્કાઓ, લઘુગ્રહો જેવા નાના પદાર્થો અને તારાઓ ખરવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આ ઉલ્કાઓ પણ પૃથ્વીના વાતાવરણમાં તેજ ગતિએ પ્રવેશે ત્યારે સળગી ઉઠે છે. સળગી જવાથી આ અવકાશી પદાર્થો કે અવકાશી કચરો પૃથ્વી સુધી પહોંચી શકતો નથી અને હવામાં જ ગાયબ થઈ જાય છે. ધરતી પરથી તેમની સળગવાની ઘટના જ આપણે જોઈ શકીએ છીએ. ગઈકાલે દેખાયેલો આ પદાર્થ સ્પેસ ડેબ્રી એટલે કે અવકાશી કચરો હોવાનું અનુમાન છે.