'ન પુણ્યમ્ ન પાપં ન સોખ્યમ્ ન દુઃખમ્ ન મંત્રો ન તીર્થમ્ ન વેદા ન યજ્ઞાા. અહં ભોજનમ્ નૈવ ભૌજ્યમ્ ન ભોક્તાં. ચિંદાનંદ રૃપઃ શિવોહમ્, શિવોહમ્...' ભગવાન શંકરને ખૂબ જ પ્રિય અને તપ-જપ-ઉત્સવના પર્વ પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. ૬ સપ્ટેમ્બરે શ્રાવણી-અમાસ છે ત્યાં સુધી શિવાલયોમં ભક્તોનું ઘોડાપુર ઉમટશે. યોગાનુયોગ આ વખતે શ્રાવણ માસનો સોમવારથી પ્રારંભ અને સોમવારે જ પૂર્ણાહૂતિ થશે. શ્રાવણ માસમાં ૨૨ ઓગસ્ટે રવિવાર અને ૩૦ ઓગસ્ટે જન્માષ્ટમી જેવા તહેવારોની હેલી પણ સર્જાશે.
જીવનને શિવમય બનાવીને ધન્યતા પામવાનો અનેરો અવસર એટલે શ્રાવણ માસ. ભોળાનાથને પૂજા-અર્ચના-આરાધના કરીને રીઝવવા માટે ભાવિકોમાં અનેરો થનગનાટ છે. શ્રાવણ માસ એટલે શિવ પૂજા માટેનો સર્વશ્રેષ્ઠ માસ. અનેક ભક્તો ઉપવાસ-એકટાણા દ્વારા શ્રાવણ માસ કરતા હોય છે. શ્રાવણ માસ નિમિત્તે અમદાવાદના નગરદેવતા કર્ણમુક્તેશ્વર, ચકુડિયા મહાદેવ, કામનાથ મહાદેવ, શિવાનંદ આશ્રમ સહિતના શિવ મંદિરોમાં શ્રાવણ માસ નિમિત્તે વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા છે. સારંગપુર દરવાજા બહાર આવેલા પ્રાચીન કર્ણમુક્તેશ્વર મંદિરમાં રૃદ્રાભિષેક તેમજ લઘુરૃદ્રનું પઠન થશે.
જોકે, કોરોના મહામારીને પગલે શિવમંદિરોમાં વિશિષ્ટ તકેદારી રાખવામાં આવી છે. જેના ભાગરૃપે અમદાવાદના કેટલાક શિવમંદિરોમાં ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લીધો છે. કેટલાક મંદિરોમાં જે ભક્તોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોય તેમને જ ગર્ભગૃહમાં પ્રવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અનેક મંદિરોમાં ભક્તોને બિલિપત્ર, ફૂલ ચઢાવવા અને અભિષેક કરવાની પણ મનાઇ છે. ભક્તો કોવિડ ગાઇડલાઇન્સ સાથે દર્શન કરે તેના માટે વિશિષ્ટ આયોજનો કરવામાં આવેલા છે. જેમાં દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓએ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, ટેમ્પરેચર ચેક કરાવવું, મંદિરની રેલિંગને અડકવી નહીં, દર્શન બાદ મંદિર પરિસરમાં ક્યાંય રોકાવવું નહીં તેવા નિયમનો સમાવેશ થાય છે.
જ્યોર્તિલિંગ સોમનાથના દર્શન માટે સેકંડો ભક્તો રવિવારે રાત્રે જ પહોંચી ગયા છે. આ ઉપરાંત દ્વારકા પાસે આવેલા જ્યોર્તિલિંગ નાગેશ્વરમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે. ઉજ્જૈનમાં આવેલા મહાકાલના શ્રાવણ માસના પ્રથમ દિવસે દર્શન માટે પણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો પહોંચી ગયા છે.
જ્યોર્તિલિંગ સોમનાથમાં આયોજન
સવારે ૬-૧૫થી પ્રાતઃ મહાપુજન. સવારે ૭ કલાકે આરતી. સવારે ૭-૪૫ના સવાલક્ષ બિલ્વાર્ચન. સવારે ૯ના યાત્રિકો દ્વારા નોંધાવેલા રૃદ્રપાઠ, મૃત્યુંજય પાઠ. સવારે ૧૧ના મધ્યાહન મહાપૂજા, મહાદુગ્ધ અભિષેક. બપોરે ૧૨ના મધ્યાહન આરતી. સાંજે ૫થી ૮ શ્રુંગાર દર્શન-દીપમાળા. સાંજે ૭ના આરતી.
સોમવાર તથા તહેવારમાં દર્શનનો સમય સવારે ૪થી ૬-૩૦, ૭-૩૦થી ૧૧-૩૦, બપોરે ૧૨-૩૦થી ૬-૩૦, સાંજે ૭-૩૦થી ૧૦. અન્ય દિવસોમાં સવારે ૫-૩૦થી ૬-૩૦, ૭-૩૦થી ૧૧-૩૦, બપોરે ૧૨-૩૦થી ૬-૩૦, ૭-૩૦થી ૧૦.
ઓનલાઇન પ્રવેશ પાસ, પૂજાવિધિ, ધ્વજારોહણ, સવાલક્ષ બિલ્વ પૂજા સહિતની પૂજાવિધિ મંદિરની વેબસાઇટ પર નોંધાવી શકાશે.
ઓનલાઇન પૂજા વિધિ નોંધાવનારાને ઝૂમ એપથી ઘરે બેઠા પૂજા વિધિનો સંકલ્પ કરાવાશે.
પ્રત્યેક શ્રદ્ધાળુઓએ કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે.