Gujarat Unseasonal Rain: ગુજરાતમાં ગયા અઠવાડિયે થયેલા માવઠાથી ભારે નુકસાન પહોંચ્યુ છે. રાજ્યના ખેડૂતોનો ઉભો પાક બળીને ખાખ થઇ ગયો છે, વળી, કેટલાય પાકો હવે આગામી સિઝનમાં આવી શકે તેમ નથી, કમોસમી વરસાદના કારણે અનેક નેતાઓ અને સંગઠનોએ સરકાર પાસે ખેડૂતોને મદદ અને સહાય કરવા અંગે રજૂઆત કરી હતી, આ પછી સરકારે સર્વેની કામગીરી શરૂ હતી. જોકે, આ બધાની વચ્ચે હવે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે મોટુ નિવેદન આપ્યુ છે.


આજે ગાંધીનગરમાં ભૂપેન્દ્ર સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કમોસમી વરસાદ અને સર્વેની કામગીરી પર મોટુ અપડેટ આપ્યુ છે. તેમને કહ્યું કે, કમોસમી વરસાદમાં થયેલા નુકશાન અંગેનો સર્વે અત્યારે ચાલી રહ્યો છે. માવઠાના સર્વેનું કામ જલ્દી પૂર્ણ થશે અને ત્યારબાદ સરકાર દ્વારા કોઇ નિર્ણય લેવાશે. હાલમાં કેન્દ્ર સરકાર સહાયતા સુધારા અંગે કાર્ય કરી રહી છે, એસડીઆરએફના સહાયના ધોરણો નવી રીતે બદલવાની વાત ચાલી રહી છે. કેન્દ્ર સરકાર આ માટે કામ કરી રહી છે. તમામ ધોરણે SDRFના નિયમો બદલવાની પ્રક્રિયા હાલ ચાલુ છે.


કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ ઉપરાંત યૂરિયા ખાતરને લઇને પણ મોટુ નિવેદન આપ્યુ હતુ. ગીર સોમનાથ જિલ્લામાં યૂરિયા ખાતરની અછત અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ હતુ કે, રવિ સીઝનમાં વાવણી પહેલા ખાતરની માગ ખેડૂતો કરતાં હોય છે, અને આ અંગેની રજૂઆતો પણ અમારી પાસે આવી છે. ગીર સોમનાથ જિલ્લાનો આ પ્રશ્ન પણ મારા ધ્યાન પર આવ્યો છે, પરંતુ હાલમાં યૂરિયા ખાતરની કોઇ અછત નથી. 


આ પહેલા કૃષિ મંત્રી રાઘવજીએ વધુ નુકસાન ન થયાનો દાવો કર્યો હતો 


કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નોંધપાત્ર નુકસાન ન થયું હોવાનો પણ કૃષિમંત્રી રાઘવજી પટેલે દાવો કર્યો હતો. ત્રણથી ચાર લાખ હેક્ટરમાં પવન સાથે વરસાદ થતા એટલા વિસ્તારમાં જ નુકસાન થયું છે. રાઘવજી પટેલનો દાવો, જે પાકની વાવણી પૂર્ણ થઈ ગઈ હતી તેને નુકસાન થયું નથી. આપત્તિથી ખેતીને નુકસાન મુદ્દે નવ વર્ષમાં દસ હજાર 700 કરોડની સહાય ચૂકવાઈ હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. રાઘવજી પટેલે કહ્યું હતું કે કપાસ અને દિવેલામાં મોટું નુકસાન નથી. રવિ સીઝનમાં 15થી 16 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. જીરું, ઘઉં, ચણા, બટાકાનું વાવેતર થયું છે. 34 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ, 6 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ, 14 જિલ્લામાં 34 તાલુકાઓમા 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.


રાજ્યમાં 83 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું


વધુમાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં 83 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જેની વાવણી પૂર્ણ થઈ તેને નુકસાન થયું નથી. 10થી 15 લાખ હેક્ટરમાં કપાસનો ઉભો પાક છે. 5 લાખ હેક્ટરમાં દિવેલા પાકનું વાવેતર થયું છે. 2 લાખ હેક્ટરમાં તુવેર પાકનું વાવેતર થયું છે. તુવેરના પાકને નુકસાન થયું હોવાનું સરકારે સ્વીકાર્યું હતું. રાઘવજી પટેલે કહ્યું હતું કે સર્વે કરવાની સૂચનાઓ આપી દીધી છે. આજથી જ અમારા અધિકારીઓ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવશે.