ગાંધીનગર:  રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ કરીને રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને લઈ મોટી જાહેરાત કરી છે. રાજ્યની વિજય રૂપાણી સરકારે કર્મચારીઓને 28 ટકા ભથ્થું આપવાનો નિર્ણય કર્યો છે. 


કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર થયો છે.  પ્રણાલી અનુસાર ગુજરાત સરકાર પણ ભારત સરકારના મોંઘવારી ભથ્થા વિચારણા કરે છે અને ચૂકવે છે. હાલ સુધી 17 ટકા મોંઘવારી ભથ્થું સરકારી અધિકારી કર્મચારીઓને ચૂકવાતું હતું. કેન્દ્ર સરકારે 11 ટકાના વધારા સાથે 28 ટકાનું ભથ્થું નક્કી કર્યું તે મુજબ અમે પણ 28 ટકા ભથ્થું આપીશું.


ભારત સરકારના નિર્ણય બાદ હવે રાજ્ય સરકારે પણ સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. મહત્વનું છે કે પહેલા 17 ટકા મોંઘવારી ભથ્થુ આપવામાં આવતું હતું હવે તેમાં 11 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે સરકારી કર્મચારીઓને હવે 28 ટકાના દરે મોંઘવારી ભથ્થુ મળશે. 


નીતિન પટેલની આ જાહેરાત બાદ રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સને મોટો ફાયદો થવાનો છે. હવે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, એટલે હવે દરેક કર્મચારીઓ અને પેન્શનર્સને 28 ટકાના દરે મોંઘવારી ભથ્થુ મળશે. નાયબ મુખ્યમંત્રીએ આપેલી માહિતી પ્રમાણે જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું એરિયર્સ ચુકવવામાં આવશે. 


સરકારી કર્મચારીઓને જુલાઈ અને ઓગસ્ટ મહિનાના એરિયર્સની રકમ બે ભાગમાં ચુકવવામાં આવશે. રાજ્યના નવ લાખ કર્મચારીઓને ફાયદો થવાનો છે. મોંઘવારી ભથ્થામાં વધારો કરવાથી રાજ્ય સરકાર પર 378 કરોડ રૂપિયાનો બોજ પડશે. 


ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી


ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 7 થી 9 સુધી હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ , દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર - કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. ગુજરાત અનેક જિલ્લાઓમાં બે દિવસ બાદ ભારે વરસાદ પડી શકે છે.



સૌરાષ્ટ્રમાં ફરીથી વરસાદનું આગમન થયું છે. અમરેલીના રાજુલા-જાફરાબાદ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજુલા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જાફરાબાદ તાલુકાના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. રાજુલાના ડુંગર, ધારેશ્વર, જુની માંડરડી, દીપડીયા સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે. ડુંગર ગામે ધોધમાર 2 ઇંચવરસાદને પગલે ગામ વચ્ચેથી પસાર થતી સ્થાનિક નદીમા આવ્યું પૂર આવ્યું હતું. વરસાદને પગલે રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. 



દ્વારકાના ખંભાળિયા શહેરમાં મેઘરાજાના એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ બન્યો. ખંભાળિયા પંથકમાં ધીમી ધારે વરસાદ પડી જતા ઠંડીનો માહોલ છવાયો છે. વિરામ બાદ વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ છે. આ સિવાય  રાજકોટ શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. યાજ્ઞિક રોડ, ઢેબર રોડ, માલવીયા ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.