અમદાવાદમાં રેસિડન્ટ ડૉક્ટરની હડતાલનો અંત આવ્યો છે. બોન્ડ મુદ્દે રેસિડન્ટ ડોક્ટરોની વિવિધ માંગણીઓમાંથી હોસ્પિટલમાં જ રેસિડેન્ટશિપ કરવાની અને બોન્ડ તરીકે ગણવાની મુખ્ય માંગણી સરકારે સ્વીકારતા અમદાવાદમાં ડોક્ટરો મોડી રાત્રે સેવામાં જોડાયા હતા. રેસિડન્ટ ડોક્ટરોના સમર્થનમાં ઈન્ટર્ન્સ અને જુનિયર ડોક્ટરો હડતાળ પર ઉતરતા રાજ્ય સરકાર ચિંતામાં મુકાઈ હતી. સરકારે પહેલાથી જ રાજકોટ, ભાવનગર અને જામનગર સહિતની સૌરાષ્ટ્રની મેડિકલ કોલેજોના રેસિડેન્ટ-ઈન્ટર્ન ડોક્ટરોને વિવિધ પ્રકારે દબાણ કરી હડતાળ પૂર્ણ કરી હતી. જો કે અમદાવાદમાં ડોક્ટરો પોતાની માગ સાથે અડગ હતા. એવામાં મોડી રાત્રે સરકારે સમાધાન કરતા માંગણી હાલ સ્વીકારી છે. મોડી રાતે સરકારે ઠરાવ પણ કરી લીધો છે. જે મુજબ બોન્ડ સામે ગામડામાં પોસ્ટિંગને બદલે જે હોસ્પિટલમાં કોરોના ડયુટી કરી હોય ત્યાં જ હવે સીનિયર રેસિડેન્ટશિપ અપાશે. પરંતુ બોન્ડનો સમય એક-એક જ રહેશે. ચાલુ વર્ષે પીજી ડિગ્રી-ડિપ્લોમા પૂર્ણ કરનારા 2021ના બોન્ડેડ  ઉમેદવારોને જ લાભ આપવામા આવશે. સાથે હોસ્ટેલ ખાલી કરવાના આદેશને પણ પરત ખેંચવામાં આવ્યો છે.


નોંધનીય છે કે, સરકારે બોન્ડ મુદ્દે રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ પાછી ખેંચાય તે માટે રેસિડેન્ટ ડોક્ટરોને સમજાવવા માટે બી.જે.મેડિકલ કોલેજના ડીન તેમજ જીએમસી પ્રેસિડેન્ટ અને સિવિલ હોસ્પિટલના સુપ્રિ.સહિતના ત્રણ સભ્યોની કમિટી બનાવી હતી અને 11 ઓગસ્ટે સવારે રેસિડેન્ટ ડોક્ટરોને બોલાવીને સમજાવવામાં આવ્યા હતા.


11 ઓગસ્ટના રોજ સવારે વાતચીત દરમિયાન ડોક્ટરો અને યુનિયર ડોક્ટરો ઇનરજન્સી સેવામાં જોડાઈ ગયા હતા પરંતુ હડતાલ ચાલુ રાખી હતી. બાદમાં મોડી રાતે ગાંધીનગરમાં ફરી મીટિંગ બોલાવી હતી. સરકાર તરફથી રેસિડેન્ટ ડોક્ટર્સને ખૂબ જ સમજાવવામા આવ્યા હતા પરંતુ મીટિંગમાં કોઈ પણ નિરાકરણ ન આવતા અને લેખિત ખાત્રી ન મળતા હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો અને ફરીથી આજથી ઇનરજન્સી સેવાથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે.


સરકારના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને બી.જે.કોલેજના ડીન સહિતના સરકારના સભ્યો સાથે રેસિડેન્ટ ડોક્ટરો-એસો. સાથે બુધવારે મોડી રાત સુધી મીટિંગ ચાલી હતી.પરંતુ સરકાર સંપૂર્ણ રીતે બોન્ડના નિયમમાં ફેરફાર કરવા તૈયાર નથી બીજી બાજુ રેસિડેન્ટ ડોક્ટરો પણ પોતાની માંગ પર મક્કમ છે અને તેના કારણે આ મામલે કોઈ સમાધાન હજુ સુધી આવ્યું નથી. 


ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસની તબીબો પોતાની પડતર માગોને લઇ હડતાળ કરી રહ્યાં છે. સરકારની હોસ્ટેલ ખાલી કરાવવાની ચેતવણી છતાં ડોક્ટરો પોતાની માગ પર અડગ છે. ત્યારે ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તબીબો પોતાની પડતર માગને લઇ હડતાળ પર ઉતર્યા હતા અને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં તબીબોએ મોટી સંખ્યામાં એકઠાં થઇ ભારે સૂત્રોચાર કર્યા હતા.