પોરબંદર નજીક રાણાવાવ-આદિત્યાણામાં આવેલ સૌરાષ્ટ્ર સિમેંટ લીમીટેડ હેઠળની હાથી સિમેંટ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના સર્જાઈ. જેમાં ત્રણ મજુરોના મોત નિપજ્યાં છે. જ્યારે ત્રણ મજુરો ઈજાગ્રસ્ત થયા છે. 85 ફુટ ઉચી ચીમનીના રિપેરિંગ કામ દરમિયાન જ અંદરના ભાગમાં લોખંડનો માચડો તૂટી પડતા છથી વધુ મજુરો દટાયા હતા.


મહત્વનું છે કે, સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ હેઠળ હાથી સિમેન્ટ છે. સમગ્ર ઘટના ચીમનીમાં રિપેરિંગની કામગીરી દરમિયાન સર્જાઈ હતી. આ ભાગમાં રિપેરિંગ માટે માચડો તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ માચડામાં ખામી હોવાના કારણે આટલા ઊંચા ભાગે કામ કરવાનું હોવાથી માચડો તૂટી પડ્યો હતો.


દુર્ઘટનાની જાણ થતા ફેક્ટરીના સંચાલકો અને અધિકારીઓએ પોતાની રીતે બચાવ કામગીરી શરૂ કરી હતી. જો કે આખરે કોઈ રસ્તો ન મળતા સ્થાનિક પ્રશાસનને જાણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તાત્કાલિક પોરબંદર કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરીને સત્વરે રાહત અને બચાવ કામગીરી માટે સૂચના આપી હતી.


રાહત બચાવ માટે NDRFની બે ટીમને ઘટનાસ્થળે પહોંચીને હતી. સાથે જ ફાયર બ્રિગેડની ટીમે પણ દટાયેલા મજુરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા પોરબંદર કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરની પણ મદદ લેવાઈ હતી.


દુર્ઘટનાની જાણ થતા રાણાવાવ પોલીસ ડીવાયએસપી, મામલતદાર, કલેક્ટર અને એસપી સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. દુર્ઘટનામાં મધ્યપ્રદેશના રહેવાસી બિરસિંહ જાટવ, સુનિલ કુશવાહ, બ્રજેદ્ર જાટવ નામના ત્રણ મજુરોના મોત નિપજ્યા હતા. જ્યારે કપ્તાનસિંહ રઝાક, દારાસિંહ રઝાક અને શ્રીનિવાસ રઝાક નામના ત્રણ મજુરો ઈજાગ્રસ્ત થતા તેમને પોરબંદરની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સમગ્ર ઘટનામાં જેમની પણ બેદરકારી સામે આવશે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધીને વધુ કાર્રવાઈ હાથ ધરાશે.