Junagadh: એકવીસમી સદીને બે દાયકા કરતાં પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં રાજ્યમાં અંધશ્રદ્ધાના કેસ સામે આવી રહ્યા છે. જુનાગઢમાં એક પરિવારે પોતાની દિકરીને અંધશ્રધ્ધાનો ભોગ બનાવી હતી. પુત્રીના હવનકુંડમાં હાથ નંખાવી નરાધમે અન્ય પુત્રી સાથે પણ અત્યાચાર કર્યો હતો.


કેશોદના પડોદર ગામમાં હવનમાં સગીરાને હાથ અને પગમાં ડામ આપવામાં આવ્યા હતા. સગીરાને એવું કહેવામાં આવ્યું કે તારી બલી આપીશું તો કુટુંબને આર્થિક ફાયદો થશે, આમ કહીને સગીરાના હાથ હવન કુંડમાં નાખવામાં આવ્યા અને હાથ-પગમાં ડામ દેવાયા. આ સાથે સગીરાને આખો દિવસ ધૂણાવવામાં આવી હોવાનો પણ આરોપ લાગ્યો છે. નાની પુત્રી પર થતાં અત્યાચારનો વિરોધ કરનાર મોટી પુત્રી અને તેની માતાને પરિવારજનોએ માર માર્યો હોવાનો આરોપ માતાએ કર્યો છે.ઈજાગ્રસ્ત હાલતમાં હાલ માતા અને તેની બે પુત્રીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.બનાવને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


રાજ્યના વાતાવરણમાં પલટો


હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે કમોસમી વરસાદ રહેશે. કેટલાક વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ પડશે. હવાવાન વિભાગની આગાહી મુજબ, યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો. અચાનક વાતાવરણમાં પલટો થતાં ગાજવીજ સાથે વરસાદ સાથે વીજ પુરવઠો પણ બંધ થયો હતો. અચાનક કમોસમી વરસાદ પડતા સમગ્ર દ્વારકાના રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા હતા. યાત્રાધામ દ્વારકામાં ભર ચોમાસા જેવો વરસાદી માહોલ જોવા મળ્યો હતો.


અમદાવાદ, સુરત, વડોદરા, સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાઘોડિયાના વાતાવરણમા પલટો આવ્યો છે. સવારથી વાદળછાયુ વાતાવરણ છે. વાદળો ઘેરાતા ખેડૂતોના માથે સંકટ તોળાયું છે. વરસાદની આશંકા વચ્ચે કેરીના પાકને નુકશાનીની ભીતી છે. રવિપાકને લઈ ખેડૂતોના માથે ચિંતાની લકીર છે. બે દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને  દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે. 30 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી, કચ્છ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.  31 માર્ચે ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ અને ભરુચ જિલ્લામાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે.