Tar Fencing Sahay Yojana: રાજ્ય સરકારે ફરી એકવાર ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે, આ નિર્ણય બાદ સમગ્ર રાજ્યના ખેડૂતો ગેલમાં આવ્યા છે, રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે રાજ્યમાં પાકને જાનવરોથી બચાવવા અને તેનાથી થતાં નુકસાનને અટકાવવા માટે તાર ફેન્સીંગ સહાય યોજનાને મંજૂરી આપી છે, સરકારે તાર ફેન્સીંગ સહાય યોજના માટે 350 કરોડ રૂપિયાની રકમને મંજૂરી આપી છે. ખાસ વાત છે કે, સહાય ઓનલાઇન અરજી કર્યા બાદ સુરત અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓના ખેડૂતોને મળી રહેશે. 


રાજ્યમાં ખેડૂતોને ઉપયોગ અને મદદરૂપ થાય એવા મહત્વના સમાચાર રાજ્ય સરકાર તરફથી મળી રહ્યાં છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકોને જાનવરોથી બચાવવાની તાર ફેન્સીંગ સહાય યોજના માટે સરકારે ૩૫૦ કરોડની મંજરી આપી છે. રાજ્ય સરકારના નિર્ણયને ખેડૂત સમાજે આવકાર્યો છે. આગામી ૧૨ ડિસેમ્બરથી ખેડૂતો ઓનલાઇન આઈ-ખેડૂત પૉર્ટલ પર આ માટેની અરજી કરી શકશે, આ સહાય લઇને ખેડૂતો ભૂંડ, નીલગાય સહિતના જાનવરોથી પાકને બચાવી શકાશે. ખેતરોમાં ભૂંડ સહિતનાં જાનવરો દ્વારા પાકને કરવામાં આવતા નુકશાનને અટકાવવા માટે આ મોટો નિર્ણય ગણી શકાય. ખેતરનાં રક્ષણ માટે રાજય સરકાર દ્વારા ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવાની સહાય યોજનાને વહીવટી મંજૂરી આપવામાં આવી છે, જે અંતર્ગત આઈ-ખેડૂત પૉર્ટલ પર ખેડૂતોની અરજીઓ સ્વીકારવામાં આવશે.


ખાસ વાત છે કે, સરકારની આ કાંટાળા તાર ફેન્સીંગ સહાય યોજનાનો લાભ રાજ્યના દક્ષિણ અને સુરત વિસ્તારના ખેડૂતો લઇ શકશે. જેમાં દક્ષિણ ગુજરાતનાં સુરત સહિતનાં પાંચ જિલ્લાઓમાં આગામી 12 ડિસેમ્બરથી ખેડૂતો અરજી નોંધાવી શકશે. રાજય સરકાર દ્વારા આ યોજના અંતર્ગત 350 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સુરત સહિત સમગ્ર રાજયમાં ખેતરોમાં ભૂંડ, નીલગાય, સહિતનાં જાનવરો ખેડૂતોનાં ઉભા પાકને નુકશાન પહોંચાડતા હોય છે, જેને અટકાવવા માટે રાજય સરકાર દ્વારા કાંટાળા તારનું ફેન્સીંગ કરવા માટે ખાસ રાહત આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. 


આ યોજનામાં મહત્તમ 2 હેકટર માટે નવી તારની વાડ બનાવવા માટે રનીંગ મીટર દીઠ 200 રૂપિયા અથવા ખરેખર થનાર ખર્ચનાં 50 ટકા પૈકી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવશે. જેમાં ખેડૂતો સમૂહ બનાવીને પણ રજુઆત કરી શકશે. આ યોજના અંગે સહકારી આગેવાન જયેશ પટેલએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં ખેડૂતો તેમના ખેતરમાં કાંટાળા તારની વાડ બનાવી શકે તે માટે સરકારે પાંચ હેક્ટરની મર્યાદા ઘટાડી બે હેક્ટર કરતા ઓછી જમીન ધરાવતા નાના અને સીમાંત ખેડૂતો લાભ લઈ શકશે. સમગ્ર રાજ્યમાં 350 કરોડની જોગવાઈથી દક્ષિણ ગુજરાતના શેરડી ઉત્પાદક ખેડૂતો ભૂંડના ત્રાસથી થતું મેરડીનું નુકસાન અટકાવી શકશે. આ સહાય મેળવવા માટે સુરત, સુરત, તાપી, નવસારી, વલસાડ ડાંગ સહિતનાં 5 જિલ્લામાં આગામી 12 ડિસેમ્બરથી આઈ-ખેડૂત પૉર્ટલ પર એક મહિનાનાં સમયગાળા દરમિયાન અરજી કરવાની રહેશે. 


ઓનલાઈન અરજી કર્યા બાદ ખેડૂતોએ સંબંધિત પુરાવાઓ જેવા કે ખાતેદારનાં બાંહેધરી પત્રક, 7-12, અને 8-અની નકલ તથા વન અધિકારી પત્ર, બેંક પાસબુક, આધારકાર્ડ, સોંગદનામુ અને ડીમાર્કશન વાળો નકશો સાથેની અરજી ખેતીવાડી અધિકારીને સોંપવાની રહેશે.