Surendranagar Crime News: રાજ્યમાં ગુનાખોરીની પ્રવૃત્તિ દિવસે દિવસે વધી રહી છે, સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે એક મોટી રેડ કરીને ફરી એકવાર ગેયકાયદેસર ચાલતુ કૉલ સેન્ટર ઝડપી પાડ્યુ છે. પોલીસે બાતમીને આધારે દરોડા પાડતાં જ સ્થળ પરથી બે મહિલાઓ અને બે પુરુષોને ઝડપી પાડ્યા, આ દરમિયાન તેમની સાથે લાખોના મુદ્દામાલને પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર કૉલ સેન્ટર સુરેન્દ્રનગરનાા હીરાપુરમાં એક ફાર્મ હાઉસમાં ચાલી રહ્યું હતુ. હાલમાં ગુનો નોંધી ધ્રાંગધ્રા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. 




સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ચાલતુ એક મોટુ કૉલ સેન્ટર પકડાયુ છે. પોલીસે બાતમીના આધારે દરોડાની કાર્યવાહી કરી હતી, જેમાં બે મહિલા અને બે પુરુષો સહિત લાખોના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો હતો. ઘટનાની વિગતો એવી છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના હીરાપુર ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં આ ગેરકાયદેસર કૉલ સેન્ટર ચાલી રહ્યું હતુ, પોલીસને બાતમી મળતાં જ ધ્રાંગધ્રા પોલીસે આ ગેરકાયદેસર કૉલ સેન્ટર પર દરોડા પાડ્યા હતા, આ દરમિયાન સ્થળ પરથી બે મહિલા અને બે પુરુષોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. સ્થળ પરથી પોલીસે ૩ લેપટૉપ, ૧ કૉમ્પ્યુટર, ૩ આઇફોન, ૧ એન્ડ્રોઇડ મોબાઇલ અને એક કાર સહિત કુલ ૬.૬૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સમગ્ર મામલામાં ધ્રાંગધ્રા પોલીસે કુલ પાંચ આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો, જેમાં બે મહિલા અને બે પુરુષ સાથે અન્ય એક ફરાર આરોપી સામેલ છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. 


ગુજરાતમાં 20 કરતા વધુ ગુનાને અંજામ આપી 10 વર્ષથી ફરાર આરોપીની પોલીસે જાણો ક્યાંથી કરી ધરપકડ


ગુજરાતના અલગ-અલગ શહેરોમાંથી 20 કરતા વધારે ગુનાને અંજામ આપી ફરાર વોન્ટેડ આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. છેલ્લા 10 વર્ષથી ભાગતા ફરતા બિશ્નોઇ ગેંગના સાગરીતને સુરત ક્રાઈમ બ્રાન્ચે તેલંગાણાના ખમ્મામથી ઝડપી પાડ્યો છે. આરોપી સામે સુરતમાં 12, અમદાવાદમાં 5 અને ગાંધીનગરમાં 3 ગુનાઓ નોંધાયા છે. 


સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા અલગ અલગ ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને આ ડ્રાઈવ અંર્તગત અત્યાર સુધીમાં અનેક આરોપીને પકડવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતના અલગ-અલગ શહેરોમાં બોલેરો, આઇસર જેવા મોટા વાહનોની ચોરી કરતી આંતર રાજ્ય બીશ્નોઇ ગેંગના સાગરીતને તેલંગાણાથી ઝડપી પાડ્યો છે. આ ઇસમનું નામ રમેશ બીશ્નોઇ છે અને તે ગુજરાતના 20 જેટલા ગુનાઓમાં વોન્ટેડ હતો. 


આરોપી મૂળ રાજસ્થાનનો હતો પરંતુ ત્યાં પોલીસ તપાસ કરવા જતી હતી તેથી તે ત્યાંથી ભાગી ગયો હતો અને તેલંગાના ખમ્મામમાં છુપાઈને ફર્નિચરની દુકાન ચલાવતો હતો ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે તેલંગાણામાં જઈને ગ્રાહક બની આરોપી રમેશ બીશ્નોઈની ધરપકડ કરી છે. રમેશ બીશ્નોઈની પૂછપરછ માં સામે આવ્યું હતું કે, 11 જાન્યુઆરી 2018ના રોજ અમદાવાદ પોલીસ પર અડાલજ ચેકપોસ્ટ પાસે આરોપીએ પોલીસ ઉપર ફાયરિંગ કર્યું હતું અને એક પોલીસ અધિકારી પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો.


જો કે જે તે સમયે રમેશ રુગનાથ બીશ્નોઈ, નારાયણલાલ બીશ્નોઈ અને નરેશકુમાર બીશ્નોઈ પોલીસના હાથે ઝડપાયા હતા અને રમેશ બીશ્નોઈ રાત્રિના અંધકારનો લાભ લઇ પોલીસથી બચીને ભાગી ગયો હતો. આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે, તે ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પરથી બોલેરોની ચોરી કરતી હતી અને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અલગ અલગ શહેરોમાં જઈ તેઓ આ બોલેરો વેચી દેતા હતા. તેમજ કેટલાક બોલેરોમાં અફીણ અને ઇંગ્લિશ દારૂ જેવા માદક પદાર્થોની હેરાફેરી કરતા હતા.


આરોપી રમેશ બીશ્નોઈ સામે સુરતના કાપોદ્રા, લિંબાયત, ઉધના, ખટોદરા અને કતારગામ પોલીસ સ્ટેશનમાં 12 ગુનાઓ નોંધાયા છે. તો અમદાવાદના રખિયાલ, ઓઢવ અને નિકોલ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 5 ગુના નોંધાયા છે. તેમજ ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુનાઓ નોંધાયા છે. આ 20 ગુનાઓમાં આરોપી સામે મોટાભાગના ગુના વાહન ચોરીના નોંધાયા છે. તો અડાલજ પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી પર ગાડી ચઢાવી દેવા અને ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની કોશિશનો ગુનો નોંધાયો છે.