સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં પીએસઆઈની ભરતી પરીક્ષામાં કૌભાંડ કરનારા પાંચ વ્યક્તિની ધરપકડ કરાઈ છે. આ પૈકી ત્રણ આરોપી તો પોલીસ ખાતામાં નોકરી કરે છે.


સુરેન્દ્રનગરના જવાહર ગ્રાઉન્ડ ખાતે પીએસઆઇની ભરતીમાટે ગ્રાઉન્ડ ટેસ્ટ પરીક્ષા ચાલી રહી છે. આ પરીક્ષા માટે વહેલી સવારે દોડ લગાવીને ફાયદો મેળવવા માટે 5 ઉમેદવારોએ પોતાની પાસે રહેલા સાચા કોલ લેટરના બદલે  સવારે છ વાગ્યાનો દોડનો સમય લખીને બોગસ કોલ લેટર બનાવ્યો હતો. બોગસ કોલ લેટર લઈને ગ્રાઉન્ડ ઉપર દોડવા માટે આવેલા 5 પરીક્ષાર્થીઓનો ભાંડો ફૂંટી ગયો હતો. આ 5 શખસ સામે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.


આ પકડાયેલા 5 આરોપી પૈકી 4 આરોપી રાજકોટના છે. આરોપીઓમાં આશીષકુમાર પાતુભાઈ ગઢવી (ભક્તિનગર પોલીસ સ્ટેશન, રાજકોટ), મહેશ દિનેશભાઈ સેગલીયા (મુંજકા, રાજકોટ) અને કિશન વજાભાઈ રાઠોડ (પાળિયાદ, બોટાદ ટ્રાફિક પોલીસ) પોલીસ ખાતામાં નોકરી કરે છે. આ ઉપરાંત જયદિપસિંહ નટુભાઇ ગોહીલ (પીપરડી.તા.વીછીંયા, જિ.રાજકોટ) અને પ્રવિણભાઈ કરમશીભાઈ સાકરીયા (ફુલજર.તા. વીંછીયા.જિ.રાજકોટ)ની પણ ધરપકડ કરાઈ છે.


આ તમામ આરોપીનો ગુનો સાબિત થાય તો 10 વર્ષથી વધુની સજાની જોગવાઇ છે. આ આરોપીઓ સામે કલમ 465, 467, 468 અને 471ની કલમ એ બનાવટી દસ્તાવેજ ઊભા કરવા, ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરવા અંગેનો ગુનો નોંધાય છે. જેમાં 10 વર્ષથી વધુની સજા, દંડની જોગવાઇ છે. આવા ગુનાહીત કાર્યોમાં સરકારી કર્મચારી સંડોવાયેલા હોય અને ગુનો સાબિત થાય તો નોકરી ગુમાવવી પણ પડે.


પીએસઆઇ કક્ષાના અધિકારી ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે આ 5 ઉમેદવારના કોલ લેટરમાં સવારે 6 વાગ્યાના ગ્રાઉન્ડનો કોલ લેટર બતાવ્યો હતો.   ઓનલાઇન તપાસ કરતા 6 વાગ્યાના ગ્રાઉન્ડમાં નોંધ ન હતી. કોઇનું નામ 8 વાગે તો કોઇનું 7 વાગ્યાની દોડમાં હતું. પોલીસને શંકા જતા તપાસ હાથ ધરી હતી અને તેમાં ભાંડો ફૂટ્યો હતો.